હૈદરાબાદ: કોરોના વાઇરસના રોગચાળાએ આગની માફક વેગ પકડી લીધો છે, ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ)એ વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થાઓ માથે તોળાઇ રહેલા તાણના જોખમ સામે ચેતવણી ઉચ્ચારી છે.
વિશ્વભરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં આવેલા ઊછાળને કારણે આરોગ્ય સુવિધાઓ અને હેલ્થકેર વર્કર્સની માગમાં દસગણો વધારો થઇ ગયો છે.
તેના પરિણામે આરોગ્ય વ્યવસ્થા ક્ષેત્રે અરાજકતા સર્જાઇ છે અને “વધુ પડતી તંગ અને અસરકારક રીતે કામ કરવા માટે અસક્ષમ” સ્થિતિ તરફ ધકેલાય તેવા સંજોગોનું નિર્માણ થયું છે.
જો આપણે ઇતિહાસ તરફ નજર કરીએ, તો આપણને સમજાય છે કે, ભૂતકાળની મહામારીઓ દરમિયાન જ્યારે આરોગ્ય વ્યવસ્થાઓમાં તંગદિલી સર્જાઇ હતી, ત્યારે વેક્સીન-પ્રિવેન્ટેબલથી થતા મૃત્યુનો દર તથા અન્ય સારવાર થઇ શકે તેવી સ્થિતિથી થતા મૃત્યુનો દર ઘણો જ વધી ગયો હતો.
કોવિડ-19 મહામારી વિશ્વભરની મજબૂત આરોગ્ય વ્યવસ્થાઓની પ્રતિરોધકતાની પરીક્ષા લઇ રહી છે.
હૂએ નોંધ્યું હતું કે, 2014-2015માં ઇબોલા વાઇરસના પ્રસાર દરમિયાન ઓરી, મેલેરિયા, એચઆઇવી/એઇડ્સ અને ટ્યૂબરક્યુલોસિસને કારણે થયેલા મૃત્યુનો આંક ઊંચો જવા પાછળ ઇબોલાને પગલે મૃત્યુ દર ઊંચો જવાથી આરોગ્ય વ્યવસ્થા ખોરવાઇ જવાનું કારણ જવાબદાર હતું.
હૂના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધેનોમ ગેબ્રિયેસસના જણાવ્યા પ્રમાણે, "મજબૂત આરોગ્ય વ્યવસ્થા એ કોઇપણ મહામારી સામેનું સર્વશ્રેષ્ઠ રક્ષણ છે."
"કોવિડ-19 બિમારી વિશ્વની ઘણી બધી આરોગ્ય વ્યવસ્થાઓ તથા સેવાઓ કેટલી નબળી છે, તેના પર પ્રકાશ પાડી રહી છે, જેના કારણે વિશ્વના દેશોને તેમના નાગરિકોની જરૂરિયાત શ્રેષ્ઠ રીતે કેવી રીતે સંતોષવી તે અંગે મુશ્કેલ નિર્ણય કરવાની ફરજ પાડી રહી છે," તેમ તેમણે ઉમેર્યું હતું.
દેશોને આ પડકારોનો સામનો કરવા માટે મદદ પૂરી પાડવા હૂએ જરૂરી આરોગ્ય સેવાની ડિલીવરીની જાળવણી કરીને અને સિસ્ટમ પડી ભાંગવાનું જોખમ ઘટાડીને કોવિડ-19 સામેની બચાવ કામગીરી માટેની માગણીઓને સંતુલિત કરવા માટેની માર્ગદર્શિકા પૂરી પાડી છે.
હૂએ દેશોને સેવાની ડિલીવરીમાં સાતત્યપૂર્ણતા જાળવી રાખવા માટેના તેમના પ્રયાસોમાં પ્રાથમિકતા આપવામાં આવે તેવી મહત્વની જરૂરિયાતોની ઓળખ કરવાની ભલામણ કરી છે.
ઉદાહરણ તરીકે, કેટલીક મહત્વની સેવાઓમાં રૂટિન વેક્સીનેશન, ગર્ભાવસ્થા દરમિયાનની કાળજી અને શિશુ જન્મ જેવી પ્રજોત્પાદનને લગતી આરોગ્ય સેવાઓ, શિશુ તથા વયોવૃદ્ધ લોકોની સંભાળ, માનસિક આરોગ્ય સ્થિતિ તથા બિન-સંક્રમિત બિમારીઓ તથા એચઆઇવી, મેલેરિયા અને ટેબી જેવી ચેપી બિમારીઓના વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.
હુએ સલાહ આપી છે કે, દેશોએ અત્યંત સાવચેતી દાખવવા માટે યોગ્ય સ્વચ્છતા જાળવવી જોઇએ તથા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણ) સહિતના પૂરતા સપ્લાયની જોગવાઇ કરવી જોઇએ.
હૂએ જણાવ્યું હતું કે, આરોગ્ય વ્યવસ્થાઓ સુ-આયોજિત હોવી જોઇએ અને સુસજ્જ હોવી જોઇએ. આ પગલાં ભરીને આપણે કટોકટીના સમગ્ર સમયકાળ દરમિયાન જરૂરી સર્વિસ ડિલીવરીની પહોંચ પૂરી પાડવાનું જારી રાખી શકીએ છીએ, પ્રત્યક્ષ મૃત્યુદરને મર્યાદિત કરી શકીએ છીએ અને પરોક્ષ મૃત્યુનો વૃદ્ધિ દર અટકાવી શકીએ છીએ.
હૂએ એ તથ્ય ઉપર ભાર મૂક્યો હતો કે, સિસ્ટમ ઉપર નાગરિકોનો ભરોસો જળવાઇ રહે, તે અત્યંત જરૂરી છે. લોકો સુમાહિતગાર હોવાં જોઇએ. જનતા સાથે પારદર્શી સંવાદ અને મજબૂત સામુદાયિક સામેલગીરી ઘણું મહત્વ ધરાવે છે.