નવી દિલ્હીઃ દેશભરમાં 71 પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે. જે નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે રાજધાની દિલ્હીમાં રાજપથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી એ પરેડ શરૂ થયાં પહેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતાં.
71 પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પહેલીવાર PM મોદી નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા હતાં. આ પહેલા તેઓ ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ પર શહિદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
વડાપ્રધાન મોદી સાથે નેશનલ વૉર મેમોરિયલ પર રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, પૂર્વ ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, આર્મી ચિફ જનરલ નરવાણે, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ અને એરફોર્સ ચીફ એર માર્શલ આર.કે.એસ ભદોરિયા પહોંચ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી રાજપથ જવા માટે રવાના થયા હતા. જ્યાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો ઉપસ્થિત રહેશે.