ધિરાણ નીતિની સમીક્ષામાં 2019ના વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો છે. છ સભ્યોની એમપીસીની બેઠકની અધ્યક્ષતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કરી હતી. આરબીઆઈના ગવર્નર બન્યા પછી આ તેમની એમપીસીની બીજી બેઠક હતી.
રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાથી હવે આરબીઆઈ પાસેથી મળનાર ફંડિંગ સસ્તું થશે. જેને કારણે બેંકો હવે ઓછા વ્યાજ દર પર હોમ લોન, કાર લોન સહિતની અન્ય લોન સસ્તા દરે આપી શકશે. જેથી હવે લોન લઈને બેઠેલો લોકોને ઈએમઆઈ અથવા તો રીપેમેન્ટ પીરિયડ પણ ઘટશે, જેથી લોન લેનારાને ફાયદો થશે.
અત્રે નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષની પહેલી ધિરાણ નીતિની સમીક્ષા હતી. આરબીઆઈએ તેની પહેલા ફેબ્રુઆરીમાં ત્રણ દિવસની બેઠક પછી સમીક્ષા જાહેર કરી હતી, અને રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ પહેલા આરબીઆઈએ ત્રણ વખત ધીરાણ નીતિ રજૂ કરતી વખતે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળા માટે સીપીઆઈ ફુગાવાનો દર નીચેની તરફ સંશોધિર કરીને 2.4 ટકા રહ્યો છે. તેમજ નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ છ મહિના માટે 2.9થી 3.0 ટકા અને બીજા છ મહિનામાં 3.5થી 3.8 ટકાની વચ્ચે રહેવાનું અનુમાન દર્શાવ્યું છે.
આરબીઆઈની હવે પછીની ધિરાણ નીતિ અંગેની બેઠક 3થી 6 જૂન એમ ત્રણ દિવસ મળશે.