નવી દિલ્હી: ગુજરાત કેડરના IPS, સીબીઆઇના પૂર્વ વિશેષ નિર્દેશક અને હાલમાં DG નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો (BCAS) રાકેશ અસ્થાનાને સીમા સુરક્ષા બળ (BSF) નવા DG નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસે DG નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)નો પણ વધારાનો ચાર્જ રહેશે. તે હાલમાં DG નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો (BCAS) સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના DGનો ચાર્જ સંભાળી રહ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટીએ 1984 બેચના આઇપીએસ અધિકારીને બીએસએફના નવા ડીજી બનાવવાનો નિર્ણય કર્યો છે. રાકેશ અસ્થાના આગામી વર્ષે 31 જુલાઇના રોજ નિવૃતિ સુધી આ પદ પર રહેશે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીમાં આવ્યા તે પહેલાં રાકેશ અસ્થાના સીબીઆઇમાં એડિશનલ ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતાં. જ્યાં તત્કાલિન ડાયરેક્ટર આલોક વર્મા સાથે ઘણા મુદ્દાની તપાસને લઇને મતભેદ સામે થયાં હતા.
ગુજરાતમાં અમદાવાદના બ્લાસ્ટનો કેસ તેમની કારકિર્દીમાં મહત્વપૂર્ણ રહ્યો હતો. આ કેસને માત્ર 22 દિવસમાં જ ઉકેલી નાખ્યો હતો. આ સિવાય ગુજરાતમાં આસારામ અને નારાયણ સાઈના કેસ વખતે પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. ઉપરાંત બિહારના ફોદર સ્કેમની તપાસ સોંપાયા બાદ તેમણે લાલુ પ્રસાદ યાદવ સામે 1996માં ચાર્જશીટ દાખલ કરી હતી. જે બાદ 1997માં પ્રથમ વાર લાલુ પ્રસાદ યાદવ જેલમાં ગયા હતાં.