બિહારમાં રવિશંકર પ્રસાદ, ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાની, ઓડિશામાં પ્રતાપ કેસરી દેવ, સૌમ્યરંજન પટનાયક અને અચ્યુત સામંતે રાજીનામું આપ્યું હતું. આ 6 રાજ્યસભા બેઠકો 25મી જૂને નામાંકન ભરવામાં આવશે. જ્યારે 5મી જુલાઈના સાંજે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. જેનું પરિણામ એ જ દિવસે એટલે કે 5મી જુલાઇની મોડી રાત્રે આવશે.
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ બિહારથી રાજ્યસભાના સાંસદ હતા. હવે રવિશંકર પ્રસાદે પટના સાહિબ લોકસભા બેઠકથી ચૂંટણી લડી જીત મેળવી છે. પટના સાહિબ બેઠકથી કોંગ્રેસે શત્રુઘ્ન સિંહાને ઉમેદવાર બનાવ્યાં હતાં. જો કે, લોકસભા ચૂંટણીના પરિણામમાં રવિ શંકર પ્રસાદે એક તરફી વિજય મળ્યો હતો. આ બેઠક ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદે 2,84,657 મતોના અંતરથી જીત મેળવી હતી.
ગુજરાતની વાત કરીએ તો, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાલ રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપ્યું છે. અમિત શાહ ગાંધીનગરથી પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં. અમિત શાહે ગાંધીનગર બેઠક પર 5,57, 014 મતથી કોંગ્રેસના સી. જે. ચાવડાને હરાવ્યાં હતાં. આ ઉપરાંત, અમેઠી લોકસભા બેઠક કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાની માત આપી હતી. જો કે, સ્મૃતિ ઈરાની ગુજરાતથી રાજ્યસભાના સાંસદ હતાં. હવે લોકસભામાં જીત મેળવતા ગુજરાતમાં વધુ એક રાજ્યસભાની બેઠક ખાલી પડી છે. અમેઠીથી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને 55,120 મતના માર્જિનથી હરાવ્યાં હતાં. જેથી કોંગ્રેસ માટે આ સૌથી મોટી હાર હતી. નોંધનીય છે કે, આ વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી UPની અમેઠી બેઠક સિવાય કેરળની વાયનાડ બેઠકથી પણ ચૂંટણી લડ્યાં હતાં. જ્યાંથી રાહુલે જંગી બહુમતીથી જીત મેળવી હતી.
ગુજરાતની એક બેઠક કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે
ગુજરાતની એક બેઠક કોંગ્રેસમાં જઈ શકે છે. જો કે, લોકસભાની ચૂંટણી પહેલા બંને બેઠક ભાજપ પાસે હતી. જો કે, હવે ગુજરાત વિધાનસભામાં ભાજપ એક બેઠક તો આસાનીથી જીતી જશે, પરંતુ બીજી બેઠક જીતવા માટે ભાજપ પાસે પુરતુ સંખ્યાબળ નથી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે હાલ 72 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે 100 ધારાસભ્યો છે. ગુજરાતમાં ભાજપના 4 ધારાસભ્યો લોકસભા સાંસદ બન્યા હોવાથી ભાજપનું સંખ્યાબળ 104થી ઘટીને 100 થઈ ગયું છે. હવે ભાજપને બંને બેઠકો જીતવા માટે 120 ધારાસભ્યોની જરૂર છે.
મહત્વનું છે કે, ગુજરાતમાંથી રાજ્યસભા માટે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની ગયાં હતાં. જો કે, અરૂણ જેટલીને રિપીટ કરવામાં આવ્યાં નહોતા. રાજ્યસભાની ચૂંટણી વખતે 3 બેઠક પર મતદાન થયું હતું. જેમાં 2 બેઠક પર ભાજપની જીત થઈ હતી, જ્યારે મોટો વિવાદ સર્જાયા બાદ અહેમદ પટેલની જીત થઈ હતી. નોંધનીય છે કે, 2019ની વિધાનસભાની 4 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી.જેથી વિધાનસભાનું સખ્યાબળ 104 થયું હતું, પરંતુ લોકસભા ચૂંટણીમાં 4 ધારાસભ્યોને ભાજપે લોકસભા લડાવી હતી. જે તમામની જીત થતાં હવે ભાજપનું સખ્યાં બળ ઘટી જતાંને 100 થઈ ગયું છે. હવે 5 જુલાઈના રોજ યોજાનારી રાજ્યસભાની બેઠકોની પેટાચૂંટણીમાંથી ભાજપને માત્ર એક જ બેઠક મળી શકશે. જ્યારે કોંગ્રેસને રાજ્યસભાની એક બેઠકનો ફાયદો થઈ શકે છે.
ગુજરાતમાં ભાજપ વિદેશ પ્રધાન એસ. જયશંકરને રાજ્યસભાની ચૂંટણી લડાવી શકે છે. કારણ કે, હાલ એસ. જયશંકરને રાજ્યસભામાં કે લોકસભામાં સભ્ય ન હોવા છતાં મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે, તો બીજી તરફ હાલ ચર્ચા ચાલી રહી છે કે, ગુજરાતમાંથી કોંગ્રેસે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ રાજ્યસભા લડાવે તેવી શક્યતા છે.