નવી દિલ્હી: કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહે રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રેલીને સંબોધિત કરી હતી. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે રેલીમાં ભારત-ચીન સીમા વિવાદ, કોરોના સંકટ, અર્થવ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું કે, કોરોના સંકટ દરમિયાન મોદી સરકારે અનેક પગલા લીધા છે અને વિશ્વ આરોગ્ય સંગઠને પણ ભારતની પ્રશંસા કરી છે.
ભારત-ચીન સીમા વિવાદ પર રાજનાથ સિંહે જણાવ્યું કે, જે વિવાદ પેદા થયો છે તે મામલે સૈન્ય સ્તરે વાતચીત ચાલી રહી છે. ચીને પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે, તેઓ વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલા લાવવા માગે છે. આમારા પ્રયાસ પણ એ જ છે કે સૈન્ય અને કૂટનીતિક સ્તરે વાતચીત દ્વારા જ ઉકેલ લાવવામાં આવે. હું વિપક્ષને જણાવવા માગું છું કે અમારી સરકાર કોઈને પણ આ મામલે અંધારામાં રાખશે નહીં.
રાજનાથ સિંહે જણાવ્યું કે, દુનિયાના અનેક મજબૂત દેશ કોરોના મહામારીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારતમાં વડાપ્રધાને કોરોના સંકટને પડકાર તરીકે લીધો અને અનેક મહત્વના નિર્ણય કર્યા છે. કોરોના સંકટનો સામનો કરવામાં જમ્મુ-કાશ્મીરનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. ગોવા બાદ સૌથી વધારે ટેસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવ્યા છે. રક્ષાપ્રધાને જણાવ્યું હતું કે, રક્ષા મામલે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. રાફેલ લડાકૂ વિમાનના સેનામાં સામેલ થયા બાદ વાયુસેનાની શક્તિમાં વધારો થશે. આપણે કોઈને ડરાવવા માટે નહીં પરંતુ પોતાની સુરક્ષા માટે રક્ષા શક્તિને વધારવા માગીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, એક દિવસ POK ના લોકો કહેશે કે તેમણે ભારત સાથે સામેલ થવું છે.