જયપુર: રાજસ્થાન સરકારે શુક્રવારે રાજ્યમાં જરૂરિયાતમંદ લોકોમાં ફૂડ પેકેટ અને રાશન વિતરણ દરમિયાન કરવામાં આવતી ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો હતો. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું કે, ગરીબોમાં ખોરાક અને રાશનનું વિતરણ પ્રચાર કે સ્પર્ધાના માધ્યમ તરીકે નહીં પણ સેવાના કાર્ય તરીકે લેવામાં આવે તે બદલ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અશોક ગેહલોતે જણાવ્યું કે, જરૂરીયાતમંદોને લાભ થવો જોઈએ અને જેઓ સક્ષમ છે, તેઓએ પોતાનો લાભ જતો કરવો જોઈએ. ગરીબ અને નિરાધાર લોકો, જેઓ સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર છે, તેઓને રાશન અને રાંધેલા ખાદ્ય પેકેટ પર પહેલો અધિકાર છે. રાજ્યમાં ખોરાક અને રાશન વિતરણ દરમિયાન ફોટોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેવા કાર્યને પ્રચારનું માધ્યમ બનાવવું જોઈએ નહીં.
ગેહલોતે જિલ્લા કલેક્ટરોને નિર્દેશ આપ્યો છે કે, NGO અને અન્ય સંસ્થાઓને જરૂરીયાતમંદોને મદદ કરવા આગળ આવે છે તે સારી વાત છે, પરંતું જરૂરિયાતમંદ લોકોમાં ફૂડ પેકેટનું વિતરણ કરતી વખતે સામાજિક અંતર(સોશિયલ ડિસ્ટન્સ)નાં ધોરણોનું પાલન કરવું જરૂરી છે.