નવી દિલ્હી: પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કોંગ્રેસના અન્ય સાંસદોની સાથે હાથરસમાં પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કરશે. 2 દિવસ પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પરિવારને મળવા માટે હાથરસ જવા નીકળ્યા હતા, પરંતુ યુપી પોલીસે તેમના કાફલાને રસ્તામાં જ રોક્યો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની ધરપકડ કરી હતી. જેને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને આ દુઃખી પરિવારને મળવાથી કોઈ તાકાત રોકી નહી શકશે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, દુનિયાની કોઈ તાકાત મને હાથરસના આ દુઃખી પરિવારને મળવાથી કોઈ રોકી શકશે નહી. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ મુજબ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના કેટલાક સાંસદો હાથરસ જશે અને પરિવાર સાથે મુલાકાત કરશે.
વેણુગોપાલે ટ્વિટ કરી કહ્યું- કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પરિવારની સાથે મુલાકાત કરશે. પીડિત અને પરિવાર માટે ન્યાયની માગ કરશે.
14 સપ્ટેમ્બરે હાથરસમાં 4 યુવકોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાનું નિધન થયું હતું. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, પરિવારની ઈચ્છા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.