ન્યૂઝ ડેસ્કઃ દેશભક્તિની ભાવનાની વાત જગાવતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 1960ના દાયકાના સંસ્મરણો યાદ કર્યા. તેમણે હાલના સંસદના ચોમાસુ સત્રમાં વાસ્તવિક અંકુશ રેખા પર ચીનની સેના સામે ભારતીય દળો કેવી રીતે ગોઠવાયા છે તેની જાણ રાષ્ટ્રને કરી હતી.
લદ્દાખના ઉજ્જડ બરફીલા મેદાનમાં ઘાસનું પણ તણખલું ઊગતું હોય કે ના ઊગતું હોય, પણ ભારતના સાર્વભૌમ વિસ્તારની અખંડિતતા માટે તે મૂલ્યવાન છે એવું સંરક્ષણ પ્રધાને ભારપૂર્વક જણાવવા કોશિશ કરી. ચોમાસુ સત્રના બીજા દિવસે સંસદને લાગણીભર્યું સંબોધન કરતાં તેમણે આવી ભાવના વ્યક્ત કરી હતી.
જવાહરલાલ નહેરુએ 1961માં સંસદમાં એવું નિવેદન કર્યું હતું કે ત્યાં “લદ્દાખના વિવાદિત પટ્ટામાં ઘાસનું તણલખું પણ ઊગતું નથી", તેની સામે રાજનાથ સિંહે લશ્કરી દળોના વખાણ કરતાં કહ્યું કે, ‘ભારતના વિસ્તારની એક ઈંચ જમીન માટે પણ સમાધાન ના કરવા માટે તેઓ મથી રહ્યા છે.’
નહેરુ કોંગ્રેસના એક સાથીદાર મહાવીર ત્યાગીએ પોતાની ટાલ પર હાથ ફેરવીને ત્યારે કટાક્ષ કર્યો હતો કે: “અહીં પણ કંઈ ઊગતું નથી … તો શું મારે આ કોઈને આપી દેવું?” આ નિવેદનના કારણે નહેરુની રાજકીય છબીને બહુ નુકસાન થયું હતું.
તેની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખની મુલાકાત લીધી તેને ખૂબ વખાણાઈ હતી અને સિંહે ઉલ્લેખ કર્યો કે પીએમની મુલાકાત પછી સૈન્ય દળોનો જોશ વધ્યો છે. વાસ્તવિક અંકુશ રેખા પર લશ્કરી તૈયારીની વિગતો આપતા તેમણે કહ્યું કે, "લાંબા ગાળાના સંઘર્ષ માટે ભારત બરાબર તૈયાર છે". આકરા શિયાળામાં પણ પહેરો દઈ શકાય તે માટે દળોને જરૂરી સામગ્રી પહોંચાડાઈ રહી છે કે જેથી લદ્દાખના માઇનસ 40 ડિગ્રી નીચે જતા તાપમાનમાં પહેરો દઈ શકાય.
રાજનાથ સિંહના એક એક શબ્દને તોળીતોળીને રજૂ કરાયો હતો. ચીન તરફથી અરૂણાચલ પ્રદેશમાં 90,000 ચોરસ કિમી વિસ્તાર પર દાવો અને પાકિસ્તાને ભારતીય લદ્દાખની 5180 ચોરસ કિમી જમીન ચીનને આપી દીધી છે તેનો ઉલ્લેખ કરીને તેમણે ચીનને આડકતરી રીતે જણાવ્યું કે એલએસી પર સ્થિતિની સ્થિતિ જાળવી રાખો.
સરહદે બંને બાજુથી ભારે જમાવટ થઈ રહી છે. ખાસ કરીને ચીની દળોએ ગલવાન વૅલીમાં હુમલો કર્યો અને ભારતે 20 જવાનો ગુમાવવા પડ્યા તે પછી વધારે દળો ગોઠવાયા છે.
છઠ્ઠી જૂને બંને દેશો વચ્ચે વાતચીત પછી ઘર્ષણ ટાળવાની સહમતી થઈ હતી અને કોઈ એવી પ્રવૃત્તિ ના કરવાની સમજૂતિ થઈ હતી કે જેથી એલએસીની યથાસ્થિતિ બદલે નહિ. રાજનાથે સંસદમાં ભાષણમાં ચીનને બીજો પણ એક સંદેશ આપ્યો હતો કે એલએસી પર યથાસ્થિતિને બદલવા માટે કોઈ પણ જાતનો પ્રયાસ થશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
બીજી બાજુ જુઓ તો ભારતની 1962 પહેલાંની લશ્કરી તૈયારી પણ એટલી ખરાબ નહોતી. તે વખતે થાંગ લા સહિતની કેટલીક પોસ્ટ પર ભારતની સ્થિતિ ઊલટાની વધારે સારી હતી. આ પોસ્ટ પરથી તીબેટના કેટલાક ગામો પર નજર રાખી શકાતી હતી. 1959થી શરૂ કરીને યુદ્ધ શરૂ થયું ત્યાં સુધીમાં પેટ્રોલિંગ પોસ્ટમાં જ્યાં પણ ખાલી જગ્યા પડતી હતી ત્યાં નહેરુ સરકારે ગોઠવણ શરૂ કરી હતી. પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં છે તેવું રાજકીય અને રાજદ્વારી પ્રદર્શન ત્યારે એટલું અસરકારક નહોતું.
સંસદની અંદર તથા બહાર જે નિવેદનો આપવામાં આવ્યા હતા તે બાલિશ હતા. રાજકીય ઇચ્છાશક્તિનું પ્રદર્શન નબળું હતું. સરહદ પર ચોકિપહેરો કરી રહેલા દળો વચ્ચે સંવાદ અને સંપર્કનો મોટો અભાવ હતો.
પૂર્વ તરફની સરહદે આસામ રાઇફલ્સના દળો ગોઠવાયેલા હતા, તેમનો કોઈ સંપર્કસૂત્ર સેના સાથે નહોતો. આસામ રાઇફલ્સ સરકારી તંત્ર નીચે સીધું કામ કરતું હતું એટલે તેમને બોર્ડર પ્રોટોકોલનો કોઈ આઇડિયા નહોતા. સરહદે થયેલા વિખવાદ વિશે આંતરરાષ્ટ્રીય ધોરણે યોગ્ય અને પૂરતા પ્રમાણમાં રજૂઆતો કરવાની અને છાપ ઊભી કરવાની કોશિશ થઈ નહોતી.
તે વખતે ચીને આક્રમણ કર્યું હતું અને છતાં તે પોતાને વિક્ટિમ તરીકે દર્શાવી રહ્યું હતું. તેની સામે આ વખતે ચીનની દાનત દુનિયા સામે તદ્દન ઉઘાડી પડી ગઈ છે. નહેરુ સરકાર કરતાં હાલમાં આંતરરાષ્ટ્રીય સંપર્કો વધારે સારી રીતે કરવામાં આવી રહ્યા છે.
હકીકતમાં સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ ઊભી કરવાનો વિચાર મૂળ નહેરુનો જ હતો. 1959માં તિબેટના શરણાર્થીઓ ભારતમાં આવ્યા ત્યારે તેમાંથી આવું દળ તૈયાર કરવાનો વિચાર હતો. આજે તિબેટીઓની બનેલી વિશેષ ટુકડીઓ ઊંચી પહાડીઓ પર ગુપ્ત કામગીરી બજાવી શકે છે.
આવી જ એક કામગીરી દરમિયાન હાલમાં જ SFFના એક જવાનનું મૃત્યુ થયું હતું. તેમની અંતિમવિધિમાં મહત્ત્વના નેતાઓ હાજર રહ્યા હતા અને તેના કારણે તિબેટી જવાનોની ટુકડી વિશે દુનિયાને જાણ થઈ તેનાથી ચીનને મોટો ફટકો પડ્યો છે.
રાષ્ટ્રના નિર્માણમાં નહેરુએ આપેલા પ્રદાનને ભૂલી ના શકાય, પરંતુ એલએસીના મુદ્દે કેવી રીતે જાહેરમાં દેખાવ થવો જોઈએ તે બાબતમાં રાજકારણીઓએ કાળજી રાખવી જોઈએ.
બિલાલ ભટ, ETV Bharat