મહારાષ્ટ્ર ચૂંટણી અધિકારીએ બે હિન્દી ટીવી સિરિયલના પ્રોડક્શન હાઉસને ભાજપની આગેવાની વાળી સરકારની યોજનાઓ અને રાજકીય રીતે પ્રભાવશાળી સામગ્રી ટેલીકાસ્ટ કરવા પર આપત્તિ દર્શાવી છે. જેના પર અધિકારીએ પ્રોડક્શન હાઉસ પર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ ચૂંટણી પંચે પણ પ્રોડક્શન હાઉસને નોટિસ ફટકારી છે. જો કે બંને પ્રોડક્શન હાઉસે ચૂંટણી અધિકારીના આરોપોને નકારી કાઢ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી દિલીપ શિંદેએ કહ્યુ કે, ટેલીકાસ્ટ કરવામાં આવેલી સામગ્રી સ્પષ્ટ રીતે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી કે, ટીવી સિરિયલમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના જેવી સરકારી યોજનાઓની પ્રશંસા કરતા દેખાડવામાં આવ્યું છે. દિલીપ શિંદેએ બંને સિરિયલના નિર્માતાઓને કહ્યું કે, સિરિયલ એક રાજકિય પાર્ટીનો પ્રચાર કરે છે જેથી તેમને હટાવામાં આવે.