નવી દિલ્હી : દિલ્હી પોલીસે દેવાંગના કલિતા વિરુદ્ધ ચાર ફરિયાદ નોંધી છે. જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ક્રાઈમ બ્રાંચ દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી છે અને એક FIR દરિયાગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
દેવાંગના કલિતાએ અરજી દાખલ કરી છે કે, ક્રાઈમ બ્રાંચ મીડિયા પર આક્ષેપો સંબંધિત કેટલીક વિશિષ્ટ માહિતી લીક કરી રહી છે. એડવોકેટ અદિત એસ પૂજારીએ જણાવ્યું હતું કે આવી માહિતી લીક કરીને ટ્રાયલને પ્રભાવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આસામમાં દેવાંગના કલિતા વિરુદ્ધ એક વિશેષ સમાચાર પ્રકાશિત થયા હતા, જેથી દેવાંગના કલિતા અને તેના પરિવારને જીવનો જોખમ છે.
કોર્ટે ક્રાઇમ બ્રાંચના DSPને આદેશ આપ્યા છે કે, ક્રાઇમ બ્રાંચના કોઇ વ્યક્તિએ પત્રકારો અથવા સોશિયલ મીડિયા દ્વારા અરજદાર વિરુદ્ધ માહિતી ફેલાવી છે કે નહીં તે અંગે વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવામાં આવે. આ માટે કોર્ટે DSP સમક્ષ બે અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે દિલ્હી પોલીસને દેવાંગના કલિતા સંબધિત કોઈ માહિતી શેર ન કરવા આદેશ આપ્યા હતા.
દેવાંગના કલિતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ગત 2 જૂને ઉત્તર-પૂર્વ દિલ્હીની હિંસા મામલે નોંધાયેલા કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે તેને જામીન આપ્યા હતા. દેવાંગના કલિતા પિંજરા તોડ સંસ્થા સાથે સંકળાયેલી છે.
દેવાંગના તે છોકરીઓમાં સામેલ છે, જેમણે દિલ્હી કેમ્પસમાં છોકરીઓ પર થઇ રહેલા અન્યાય સામે અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ લોકોએ આ અભિયાનનું નામ આપ્યું હતું ‘પિંજરા તોડ’. અભિયાન ડીયુ, જેએનયુ, જામિયા મિલિયા તેમજ આંબેડકર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ ગત વર્ષે ઓગસ્ટમાં શરૂ કર્યું હતું.