- આજે યોજાશે બ્રિક્સ દેશોનું શિખર સંમેલન
- બ્રિક્સ દેશો પાસે 16.6 ટ્રિલિયન યુએસ ડોલરનું સંયુક્ત કુલ ઘરેલું ઉત્પાદન (GDP)
- બ્રિક્સ દેશોના શિખર સંમેલનની થીમ વૈશ્વિક સ્થિરતા, સુરક્ષામાં ભાગીદારી અને નવીતમ વિકાસ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રિક્સ(બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) દેશોના શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં આતંકવાદ, વાણિજ્ય, આરોગ્ય, ઉર્જાની સાથે કોરોના મહામારીને કારણે થયેલા નુકસાનની ભરપાઇ કરવાના ઉપાયો જેવા મુદ્દે ચર્ચા કરવવામાં આવશે.
કોણ કોણ આ બેઠકમાં ભાગ લેશે?
બ્રિક્સ દેશોના બે મુખ્ય દેશ ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખની સીમા પર 6 મહિના પહેલા થયેલી હિંસક અથડામણ બાદ ઘર્ષણ યથયાવત છે. હાલ બન્ને દેશો ઉંચાઇવાળા વિસ્તારોમાંથી સેના હટાવવાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ બેઠકમાં ભાગ લેશે.
પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન મોદી બ્રિક્સ દેશોના શિખર સંમેલનમાં ભાગ લેશે
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન(SCO)ની ડિજિટલ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની ડિજિટલ બેઠક યોજાઇ હતી. વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન મોદી રશિયા દ્વારા આયોજિત બ્રિક્સ દેશોના 12મા શિખર સંમેલનમાં ભાગ લેશે.
વૈશ્વિક સ્થિરતા, સુરક્ષામાં ભાગીદારી અને નવીતમ વિકાસ થીમ પર આધારિત
17મી નવેમ્બરના રોજ યોજાનારી બ્રિક્સ દેશોના શિખર સંમેલનની થીમ વૈશ્વિક સ્થિરતા, સુરક્ષામાં ભાગીદારી અને નવીતમ વિકાસ છે. બ્રિક્સને એક અસરકારક સંસ્થા માનવામાં આવે છે, જે વિશ્વની કુલ વસ્તીના અડધા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રિક્સ દેશો પાસે 16.6 ટ્રિલિયન યુએસ ડોલરનું સંયુક્ત કુલ ઘરેલું ઉત્પાદન (GDP) છે.
ભારત 13મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બેઠકમાં સામેલ નેતાઓ પરસ્પર સહયોગ અને આતંકવાદ, વેપાર, આરોગ્ય, ઉર્જા તેમજ કોરોના રોગચાળાને કારણે થયેલા નુકસાનની ભરપાઇ કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે. તેમજ આ બેઠકમાં ભારતને આગામી બ્રિક્સ સમિટ માટે અધ્યક્ષપદ સોંપવામાં આવશે. 2021માં યોજાનારી 13મી બ્રિક્સ સમિટનું આયોજન ભારત કરશે. આ અગાઉ ભારતે 2012 અને 2016માં બ્રિક્સ દેશોની સમિટની અધ્યક્ષતા કરી હતી.