નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19નો નિકાલ કરવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવા વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી. ગૃહપ્રધાન, આરોગ્ય પ્રધાન, વડાપ્રધાનના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, ICMR DG અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં રાષ્ટ્રીય સ્તરે રોગચાળાના સંદર્ભમાં કોરોના સંક્રમણ અને માહામારી સ્થિતિ અને દિલ્હી સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના માહામારીની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી અને આગામી બે મહિનાના અનુમાનો પણ લેવામાં આવ્યા હતા.
વડાપ્રધાને સૂચન કર્યું હતું કે, ગૃહ પ્રધાન અને આરોગ્ય પ્રધાને કોવિડ-19ના વધતા જતા કેસોને સંભાળવા સંભવિત અને વ્યાપક પ્રતિક્રિયાની યોજના બનાવવા માટે ભારત સરકાર, દિલ્હી સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં એલજી અને દિલ્હીના મુખ્ય પ્રધાન સાથે બેઠક બોલાવી જોઈએ. વડાપ્રધાને આરોગ્ય મંત્રાલયને ચોમાસાને ધ્યાનમાં રાખીને તમામ શક્ય તૈયારીઓ કરવા પણ જણાવ્યું હતું.