નવી દિલ્હી: રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી શરૂ થનારા વિધાનસભા સત્રની પૂર્વે સોમવારે દિલ્હીમાં બળવાખોર કોંગ્રેસના નેતા સચિન પાયલટ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. આ પછી રાજસ્થાનમાં રાજકીય સંકટ પૂરુ થવાની સંભાવના છે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે એક નિવેદન બહાર પાડીને પાઇલટ અને હાઈકમાન્ડ વચ્ચેની વાતચીતને સકારાત્મક ગણાવી છે. તેમણે કહ્યું કે, પાયલોટ સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. પાયલોટે પોતાનો પક્ષ વિગતવાર રીતે રજૂ કર્યો અને પોતાને પાર્ટી માટે સમર્પિત ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે બેઠક બાદ સોનિયા ગાંધીએ પાઇલટ અને અન્ય ધારાસભ્યો દ્વારા ઉભા કરાયેલા મુદ્દાઓની નોંધ લીધી હતી. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલા મતભેદો ઉકેલવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીએ સોમવારે અશોક ગેહલોત સાથે પણ વાત કરી હતી. ગેહલોતને સમગ્ર પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલોટને ખાતરી આપવામાં આવી છે કે, સીએમ અશોક ગેહલોત સાથે તેમની ફરિયાદોનો ઉકેલ કરવામાં આવશે.
રવિવારે યોજાયેલી વિધાનસભા પક્ષની બેઠક દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સર્વાનુમતે માગ કરી હતી કે, પક્ષ સાથે દગો કરનારાઓને પાછા પાર્ટમાં જગ્યા ન આપવામાં આવે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતે તમામ ધારાસભ્યોને વિધાનસભામાં બહુમતી પરીક્ષણ દરમિયાન એકતા બતાવવા અપીલ કરી હતી. કોંગ્રેસ રાજસ્થાન વિધાનસભામાં બહુમતીનો દાવો કરી રહી છે. તે પણ સંકેત આપી રહ્યું છે કે, પાઇલટ કેમ્પ માટે હજી પણ દરવાજા બંધ નથી થયા.
કોંગ્રેસના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, બપોરે રાહુલ ગાંધીના નિવાસસ્થાને એક બેઠક મળી હતી અને 'સકારાત્મક પરિણામ'ની અપેક્ષા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પાયલટ અને તેમની નજીકના કોંગ્રેસના 18 ધારાસભ્યો છેલ્લા એક મહિનાથી અશોક ગેહલોત સરકાર વિરુદ્ધ બળવો કરી રહ્યા છે, જેના કારણે રાજ્યમાં કોંગ્રેસની સરકાર ભાંગી પડવાની આરે પહોંચી ગઈ છે.
આ અગાઉ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે સચિન પાયલટ વિરુદ્ધ અનેક વખત નિવેદન આપ્યું છે અને ભાજપ પર રાજ્ય સરકારને હટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પહેલા પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનમાં રાજકીય સંકટ દૂર કરવા પ્રયાસો કર્યા હતા. તેણે પાયલટ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું.