નવી દિલ્હી: ગુરુગ્રામમાં પેટીએમનો એક કર્મચારી તપાસમાં કોરોના સંક્રમિત જણાયો છે. કોરોના અંગે કેન્દ્ર સરકારે લોકોને કહ્યું કે, કોઇને પણ ડરવાની જરૂર નથી. કેરળ સરકારે દાવો કર્યો કે, આ વાયરસ સામે અમે કેટલાક પગલાં ભર્યા છે, જેથી આ વાયરસ પર નિયત્રંણ લાવી શકાય છે.
આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસના પ્રકોપને જોતા શાળાઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. પેટીએમ એ પોતાના બધા કર્મચારીઓને કેટલાક દિવસો માટે ઘરથી કામ કરવાની સલાહ આપી હતી. હરિયાણાના આરોગ્ય વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, રાજ્યમાં 956 લોકો તપાસ હેઠળ છે. જેમાંથી 938 લોકો કોરોના પ્રભાવિત દેશોની યાત્રા કરીને આવ્યાં છે.
બુધવારે ડૉ. હર્ષવર્ધનની આગેવાની વાળી એક બેઠકમાં ઘણા અધિકારીઓ પણ સામેલ થયા હતા. દિલ્હી સરકારમાં પ્રધાન સત્યેન્દ્ર જૈને પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોરોના સામેની તૈયારી, હોસ્પિટલમાં સુવિધાઓ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વારયસના અત્યાર સુધી 28 કેસ સામે આવ્યાં છે. ઈટલીથી ભારત આવેલા 15 લોકો કોરોના વાયરસની ઝપેટમાં છે.
કોરોના વાયરસના પગલે ભારત સરકાર એક્શનમાં આવી છે. ભારતમાંથી વિદેશ જનારી પેરાસિટામોલ, વિટામિન B12, વિટામિન B6, વિટામિન B1 જેવી કેટલીક દવાઓના એક્સપોર્ટ પર રોક લગાવી દેવામાં આવી છે. જેથી ભારતમાં આવી દવાઓની અછત ન પડે. સરકારે કોરોના વાયરસથી સાવચેત રહેવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોના વાયરસના કાળા કેરના કારણે 3000થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 72 દેશોમાં આ વાયરસ ફેલાયો છે.