કોંગ્રેસમાં વૃદ્ધ વિરુદ્ધ યુવા નેતૃત્ત્વ જેવી કોઈ સમસ્યા નથી, રાહુલે પક્ષનું સુકાન સંભાળવું જોઈએ - ghulam nabi azad
વરિષ્ઠ પત્રકાર અમિત અગ્નિહોત્રીને આપેલા એક્સ્ક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કોંગ્રેસના પીઢ નેતા હરીશ રાવતે દાવો કર્યો છે કે પક્ષના નેતૃત્ત્વ બાબતે વૃદ્ધ વિરુદ્ધ યુવાન નેતાઓ જેવી કોઈ ચડસ નથી, કેમકે તેમણે તેમની સૌથી જૂની પાર્ટીનું સુકાન રાહુલ ગાંધીને સંભાળી લેવા વિનંતી કરી છે.
ન્યૂઝ ડેસ્કઃ વરિષ્ઠ પત્રકાર અમિત અગ્નિહોત્રીને આપેલા એક્સ્ક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કોંગ્રેસના પીઢ નેતા હરીશ રાવતે દાવો કર્યો છે કે પક્ષના નેતૃત્ત્વ બાબતે વૃદ્ધ વિરુદ્ધ યુવાન નેતાઓ જેવી કોઈ ચડસ નથી, કેમકે તેમણે તેમની સૌથી જૂની પાર્ટીનું સુકાન રાહુલ ગાંધીને સંભાળી લેવા વિનંતી કરી છે. પ્રસ્તુત છે, મુલાકાતનાં અંશોઃ
પ્ર - 23 સીનિયર નેતાઓના અસંમતિ પત્રએ કોંગ્રેસના નેતૃત્ત્વની સમસ્યા ઉઘાડી પાડી દીધી છે. પીઢ નેતાઓ વિરુદ્ધ યુવા નેતાઓના આ વાદવિવાદની અસર કોંગ્રેસના વિકાસ ઉપર પડી રહી છે ?
જુઓ, ઐતિહાસિક રીતે, કોંગ્રેસ પાર્ટીએ યુવા નેતાઓને ટેકો આપ્યો છે અને પ્રોત્સાહન આપ્યું છે. ઈન્દીરા ગાંધીના સમય દરમ્યાન, ઘણા યુવાનો પક્ષમાં જોડાયા હતા. કમલ નાથ જેવા અનેક યુવાનોને સંજય ગાંધી લાવ્યા હતા. તે પછી, જ્યારે રાજીવ ગાંધીએ સુકાન સંભાળ્યું, ત્યારે હું, ગુલામ નબી આઝાદ, એહમદ પટેલ, આનંદ શર્મા અને મુકુલ વાસ્નિક સહિત કેટલાક યુવાનો પાર્ટીમાં જોડાયા. અલબત્ત, સંજય ગાંધી અને રાજીવ ગાંધીના સમય દરમ્યાન કોંગ્રેસમાં જે લોકો પક્ષ સાથે જોડાયા હતા, તેઓ આજે પરિસ્થિતિ સંભાળી રહ્યા છે. અમારા પછી, અવિનાશ પાંડે જેવા યુવાનો આવ્યા અને તેઓ ઘણું સારું કામ કરી રહ્યા છે. તે જ રીતે, રાહુલ ગાંધી સક્રિય રાજનીતિમાં જોડાયા, તે પછી રાજીવ સતાવ અને ગૌરવ ગોગોઈ જેવા ઘણા યુવાનો પાર્ટી સાથે જોડાયા અને હવે તેઓ પણ તૈયાર થઈ ગયા છે. યુવા પેઢી તરફ કોંગ્રેસને સ્વાભાવિક ઝુકાવ છે. પાર્ટીમાં પીઢ નેતાઓ વિરુદ્ધ યુવા નેતાઓ જેવો કોઈ વિવાદ જ નથી. અમે સહુ યુવા પેઢીને સમાવવા અને તેમને મદદરૂપ થવા ઈચ્છીએ છીએ. જોકે, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા એકાદ બે બનાવો બન્યા છે. તેમને ટૂંક સમયમાં પાર્ટીએ ઘણું બધું આપ્યું હતું. હું તમને અંગત પ્રસંગ સંભળાવું છું. વર્ષ 1980માં હું અને જ્યોતિરાદિત્યના પિતા (સ્વર્ગસ્થ માધવરાવ સિંધિયા) સાંસદ હતા અને દાયકાઓ બાદ મનમોહન સિંઘની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કામ કરતો હતો, જેમાં જ્યોતિરાદિત્ય પણ સભ્ય હતો. મુદ્દો એ છે કે અમે ધીરજવાન હતા. જો જ્યોતિરાદિત્ય પાર્ટીમાં રોકાયો હોત, તો તે કદાચ મધ્ય પ્રદેશનો મુખ્યમંત્રી બન્યો હોત. પરંતુ તે અધીરો બન્યો અને તેણે પાર્ટી છોડી દીધી.
પ્ર - જો એમ જ હોય તો, 24મી ઑગસ્ટના રોજ મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠક દરમ્યાન અસંતુષ્ટો દ્વારા ચિહ્નિત મુદ્દાઓની ચર્ચા માટે શા માટે પીઢ નેતા ગુલામ નબી આઝાદને ટાર્ગેટ કરાયા હતા ?
જુઓ, પત્ર લખવો એ કોઈને પણ માટે ચિંતાજનક નથી. જે સમયે અને જે રીતે તેને રજૂ કરાયો અને મીડિયામાં લીક થયો, તેનાથી સીડબલ્યુસીના સભ્યો અપસેટ થયા હતા અને નિરાશ થયા હતા. તેમને નવાઈ લાગી હતી કે આવું શા માટે બન્યું ? આઝાદ પીઢ અને પરિપકવ રાજકારણી છે. અલબત્ત, આઝાદ, એહમદ પટેલ અને અંબિકા સોની - આ ત્રણ નેતાઓનું પાર્ટીમાં વિશિષ્ટ સ્થાન છે. અમે તેમને હંમેશા માન આપ્યું છે. બેઠક દરમ્યાન જો તેઓ ઊભા હોય તો અમે અમારી ખુરશી ઉપર બેસતા પણ નથી. આઝાદને પાર્ટી માટે મુસીબત સમયની સાંકળ ગણવામાં આવે છે. જો અમે કંઈ ભૂલ કરીએ તો આઝાદ સુધારશે. આવું જ એહમદ પટેલ માટે છે. જ્યારે અસંમતિ પત્ર લીક થયો અને આઝાદનું નામ સમગ્ર ઘટના પાછળની મહત્ત્વની વ્યક્તિઓમાંથી એક નામ તરીકે ચમક્યું, ત્યારે અમને આશ્ચર્ય થયું હતું કે તેમણે આવું કેમ કર્યું ?
આઝાદે ફક્ત સોનિયા ગાંધીને મળી લેવાની જરૂર હતી અથવા તો તેમને મળવા બોલાવી લેવાની જરૂર હતી. તેમના બોલને ધ્યાન ઉપર લેવાયા હોત. તેના બદલે પાર્ટી વિશે તમામ પ્રકારના નેગેટિવ રિપોર્ટસ ફેલાયા અને તેનાથી અમને દુઃખ થયું. અમારી એ લાગણી સીડબલ્યુસીની બેઠકમાં પ્રતિબિંબિત થઈ હતી. એવું ન્હોતું કે જો આઝાદે કોઈ બળવો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સીડબલ્યુસીના સભ્યોએ પત્ર જે રીતે લીક થયો તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. હકીકતમાં તેને લીધે ચર્ચા લંબાઈ હતી. પરંતુ અંતે સોનિયા ગાંધીએ સહુને ખાતરી આપી હતી કે અમારી લાગણીઓને ધ્યાન ઉપર લેવાશે.
પ્ર- કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધી ફરી સુકાન સંભાળે તેના વિશે તેઓ ચિંતિત હતા ?
સીડબલ્યુસીમાં એવી ચર્ચા થઈ હતી કે જો રાહુલ પાર્ટીનું સુકાન સંભાળવા ઈચ્છતા ન હોય તો ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીનું સત્ર યોજીને આ મુદ્દાઓને ધ્યાન ઉપર લેવા જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે રાહુલ બને તેટલી જલ્દી પાર્ટીનું સુકાન સંભાળી લે. સીડબલ્યુસીમાં પણ આ બાબતે સહુ એકમત હતા. એટલું જ નહીં, ઑગસ્ટ, 2019માં યોજાયેલી વિસ્તારિત સીડબલ્યુસીમાં પણ રાહુલને તેમનું રાજીનામું પાછું ખેંચવા વિનંતી કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓને તેમના નેતૃત્ત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે. જ્યારે અનેક પડકારો હતા, ત્યારે રાહુલે નેતૃત્ત્વ સંભાળ્યું હતું અને અમે સહુએ આ બાબતનો અનુભવ કર્યો છે. આજે દેશમાં સંસદીય પદ્ધતિ અને બંધારણીય લોકતંત્ર સામે પડકાર છે. વડાપ્રધાન મોદી અને તેમની સરકારની કામ કરવાની પદ્ધતિ વિશે રાહુલ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. તેઓ કોંગ્રેસના નેતા તરીકે ઊભરી આવ્યા છે અને તેમણે વિપક્ષના નેતા તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ સંજોગોમાં મને લાગે છે કે કોંગ્રેસને યુવા નેતાની જરૂર છે અને ભારતને વિપક્ષમાં યુવા નેતાની જરૂર છે. તેમણે દેશભરમાં પ્રવાસ ખેડ્યો છે અને લોકોને મળ્યા છે. તેમણે અનુભવ મેળવ્યો છે. સમય હવે બદલાઈ રહ્યો છે. લોકોએ રોજીરોટી અને વિકાસ સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાનું શરૂ કર્યું છે. રાહુલ કોંગ્રેસના પ્રમુખ તરીકે પદભાર સંભાળે તે માટે આ ઉચિત સમય છે.
પ્ર - બે દાયકાથી સીડબલ્યુસીની ચૂંટણીઓ યોજાઈ નથી, તે હકીકત બાબતે શું કહેશો ?
આ મુદ્દો જાહેરમાં નહીં, પરંતુ પાર્ટીની ફોરમ્સમાં ચર્ચવાનો છે. સીડબલ્યુસીની બેઠક ફરી યોજાવી જોઈએ અને પાર્ટીના વિવિધ પદો - છેક જિલ્લા કક્ષા સુધીના પદો માટે ચૂંટણીઓ વિશે નેતાઓની સલાહ - વિચાર વિમર્શ થવા જોઈએ. આઝાદ કંઈ નવું નથી કહેતા, આ જૂની કોંગ્રેસના વિચારો છે. અલબત્ત, રાહુલે જ યુથ કોંગ્રેસને ખુલ્લી મૂકી અને યુથ વિંગમાં આંતરિક ચૂંટણીઓ યોજવાનું શરૂ કર્યું. જો રાહુલ સુકાન સંભાળે તો તે ચોક્કસ પણે પાર્ટીમાં આંતરિક ચૂંટણીઓ યોજવાનું પસંદ કરે. પરંતુ આજે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે, તે આપણું અવિભાજિત ધ્યાન માગે છે. અમે સહુ સૈદ્ધાંતિક રીતે આ વાતે સહમત છીએ કે આંતરિક ચૂંટણીઓ યોજાવી જોઈએ, પરંતુ અમે તેના માટેનો સમય નક્કી કરીશું.
પ્ર - તો, અસંતુષ્ટો દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓ હવે ઉકલી ગયા છે ?
અસંમતિ પત્રમાં ઊઠાવવામાં આવેલા મુદ્દાઓની ચર્ચા વિસ્તૃત સીડબલ્યુસીની બેઠકમાં કરાઈ હતી. હું માનું છું કે સોનિયાજીના સમાપન ઉદબોધનમાં આ મુદ્દાનો અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી માટે મને જેટલી ચિંતા છે, એટલી જ આઝાદને પણ છે. અને હું માનું છું કે મુદ્દાઓ ઉઠાવવામાં કોઈનો કોઈ બદઈરાદો ન હતો. આગામી છ મહિનામાં એઆઈસીસીનું સત્ર યોજાશે. જો બીજું કંઈ ઊભું થાય તો હું કંઈ કહી ન શકું, પરંતુ એ સત્રમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રમુખ તરીકેનું નેતૃત્વ સંભાળી લેવું જોઈએ. ત્યાં સુધી અમે એક રચનાત્મક વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવા માગીએ છીએ અને બેરોજગારી, અસહિષ્ણુતા અને કથળેલી અર્થવ્યવસ્થા જેવી લોકોની સમસ્યાઓથી અમે મોદી સરકારને ઘેરવા સજ્જ છીએ.
પ્ર - પરંતુ કોંગ્રેસ આક્રમક વિપક્ષ તરીકેની ભૂમિકા શા માટે નથી ભજવી શકતી ?
કમનસીબેદ, છેલ્લાં બે વર્ષથી આપણે અસ્વાભાવિક રાજકીય ચિત્ર જોઈ રહ્યા છીએ, જે કોંગ્રેસની કાર્યશૈલીને માફક આવે તેમ નથી. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશની રાજનીતિને સાંપ્રદાયિક રંગ આપવામાં સફળ થયા છે. આપણે 2017માં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીઓમાં આ જોયું. અમને આશા હતી કે ઉત્તર પ્રદેશમાં અમે સમાજવાદી પાર્ટી સાથે મળીને ફરી સરકાર રચીશું અને આવી જ આશા અમને ઉત્તરાખંડમાં પણ હતી. પરંતુ વડા પ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન “કર્બિસ્તાન - સ્મશાન” જેવા શબ્દો વાપરવાનું શરૂ કર્યું હતું, જેનાથી મતોનું ધ્રુવીકરણ થયું હતું. પરિણામે, અમારો પરાજય થયો. તે જ વર્ષે ગુજરાત વિધાન સભાની ચૂંટણીઓ પછી, લોકોની વાતચીતમાં મુખ્ય હોય તેવા બેરોજગારી અને આર્થિક મંદીની સમસ્યાને પગલે અમારી સ્થિતિ મજબૂત હતી. પરંતુ તે સમયે 2019માં પુલવામામાં કમનસીબ આતંકી હુમલો થયો. વડા પ્રધાન અને મીડિયાએ તે પછી આઈએએફ દ્વારા સરહદ પારનાં આતંકી છૂપા સ્થાનો ઉપર બાલાકોટમાં હુમલા કર્યા. દુઃખદ રીતે, કોંગ્રેસને પાકિસ્તાન તરફી ચિતરવામાં આવી. આ કમનસીબ બાબત છે. ભારતીય પરંપરા સર્વધર્મ સમભાવ રહી છે, પરંતુ ભાજપ રાજકારણને સાંપ્રદાયિક રસ્તે ચઢાવવામાં સફળ થઈ. અમે જાણે કે અપરિચિત - અજ્ઞાત જગ્યાએ જઈ પહોંચ્યા અને એ જ કારણથી અમે 2019ની સામાન્ય ચૂંટણીઓ હારી ગયા.
પ્ર - છેલ્લા દાયકાઓમાં કોંગ્રેસના પ્રમુખોની કાર્યશૈલીમાં પરિવર્તન આવ્યું છે ?
કોંગ્રેસ પાર્ટીમાં કાર્ય મૂલ્યો ઈન્દીરા ગાંધીના સમયથી યથાવત્ રહ્યાં છે. તેમના પછી રાજીવ ગાંધી, પીવી નરસિંહ રાવ, સીતારામ કેસરી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પ્રમુખપદ સમયે પણ તેમાં કોઈ ફેરફાર નથી થયો. રાહુલે વિવિધ ક્ષમતાઓ ઉપર છેલ્લાં 12 વર્ષથી સોનિયા ગાંધીના માર્ગદર્શન હેઠળ કામ કર્યું છે. આજે અમારી કાર્યશૈલી બાબતે અને આંતરિક રચના બાબતે કોઈ સમસ્યા નથી. પરંતુ છેલ્લાં વર્ષોમાં દેશનો રાજકીય માહોલ બદલાયો છે. તે દૂષિત થઈ ગયો છે અને તે કોંગ્રેસ માટે અનુકૂળ નથી.
પ્ર - તમને આશા છે કે પરિસ્થિતિ બદલાશે ?
લોકો જ્યારે પોતાની રોજી રોટી વિશે, રોજગાર ઓછા હોવા વિશે અને અર્થતંત્ર ગબડતું જાય છે, તેના વિશે વિચારવાનું શરૂ કરશે, ત્યારે પરિસ્થિતિ બદલાશે. તેઓ ફરી કોંગ્રેસે કરેલાં કામોની પ્રશંસા કરશે. હાલનો વિભાજક માહોલ આરએસએસના વડા મોહન ભાગવત અને વડાપ્રધાન મોદીએ સાથે મળીને સર્જ્યો છે. પરંતુ કોંગ્રેસ પોતાની રીતે જવાબ આપશે અને ત્યાં તેને કોઈ પરાજિત નહીં કરી શકે.