નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે નિર્ભયા કેસના આરોપી મુકેશની અરજીને ફગાવી દીધી છે. નિર્ભયાના આરોપી મુકેશે દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટના આદેશને પડકારતા પોતાની ફાંસીની સજા પર રોક લગાવવાની માગ કરી હતી. આ અગાઉ પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના આરોપી મુકેશની અરજીને ફગાવી દીધી હતી.
કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. નિર્ભયાના આરોપી મુકેશે પોતાની અરજીમાં કહ્યું હતું કે, તે ઘટના સમયે દિલ્હીમાં નહોતો, પરંતુ રાજસ્થાનમાં હતો. જોકે, કોર્ટે તેની આ દલીલ માનવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે, નિર્ભયાના હત્યારા પવન, વિનય અને અક્ષયની બીજી દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. ઉપરાંત અક્ષયની પત્નીએ પણ તલાક અરજી કરી છે. બિહારની એક કોર્ટમાં તેની સુનાવણી શરૂ થઇ છે. પરિણામે જ્યાં સુધી આ અરજી પર સુનાવણી ન થાય ત્યાં સુધી ફાંસીની સજા ન થવી જોઈએ.
કાયદા પ્રમાણે જો કોઈ આરોપીની અરજી કોઈપણ કોર્ટમાં પેન્ડિંગ હોય અને તે માન્ય અરજી હોય તેવા કેસમાં જ્યાં સુધી અરજી પર ચુકાદો ન આવી જાય ત્યાં સુધી આરોપીને ફાંસી આપી શકાય નહીં. આ પહેલા પણ નિર્ભયાના આરોપીઓ કોઈને કોઈ અરજી દાખલ કરીને ફાંસી ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નોંધનીય છે કે નિર્ભયાના આરોપીઓએ 20 માર્ચે ફાંસીની સજા થશે.