નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ડૉક્ટરની આત્મહત્યા મામલે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જરવાલની જામીન અરજી ફગાવી દીધી છે. વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહરે કહ્યું કે પ્રકાશ જરવાલ પરના આરોપો ગંભીર છે. કોર્ટે 27 મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.
17 મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે પ્રકાશ જરવાલ અને તેના સાથી કપિલ નગરને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ગત 14 મે એ કોર્ટે પ્રકાશ જરવાલ અને કપિલ નગરને 17 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. ગત 8 મેના રોજ કોર્ટે પ્રકાશ જરવાલ અને કપિલ નગર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું. જરવાલને ગત 9 મેના રોજ દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.
18 એપ્રિલે ડો.રાજેન્દ્રસિંહે આત્મહત્યા કરી હતી. ડૉક્ટરે તેના ઘરે લટકીને આપઘાત કરી લીધો હતો. પોલીસને ડોક્ટર પાસે બે પાનાની સ્યુસાઇડ નોટ મળી હતી. સ્યુસાઇડ નોટમાં પ્રકાશ જરવાલ અને કપિલ નગરને જવાબદાર ઠેરવ્યાં હતાં. પોલીસને એક ડાયરી પણ મળી આવી હતી.. તેમજ ડાયરીમાં પ્રકાશ જરવાલ પર તે ટેન્કરો માટે પૈસા માંગવાનો આરોપ છે.