દાયકાઓથી ભારત મોટા ભાઈની ભૂમિકા નિભાવી રહ્યું છે અને શ્રીલંકાને મદદ કરી રહ્યું છે, પરંતુ વર્ષ 2005માં શ્રીલંકાના પ્રમુખ તરીકે મહિન્દા રાજપક્ષની ચૂંટણી પછી શ્રીલંકા ચીન તરફ વધુ સરકતું રહ્યું છે. તમિલ વ્યાઘ્રોના ત્રાસવાદ પર તેમની જીત સાથે, રાજપક્ષને વિશ્વાસ હતો કે, તેમનો કોઈ વિરોધી હવે નથી. પરંતુ તેમણે વર્ષ 2015માં ભારે પરાજય માટે ભારતને કારણભૂત ગણાવ્યું. શ્રીલંકાના પ્રમુખપદની તાજેતરની ચૂંટણીમાં મહિન્દા રાજપક્ષના ભાઈ ગોતાબાયા રાજાપક્ષની જીત અને મહિન્દાની દેશના વડાપ્રધાન તરીકે નિમણૂકથી ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો અંગે શંકા ઊભી થઈ છે.
જમીની વાસ્તવિકતાઓને ઓળખીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શપથવિધિના બીજા જ દિવસે, વિદેશ પ્રધાન જયશંકર મારફતે ગોતાબાયાને આપેલું આમંત્રણ અને શ્રીલંકાના પ્રમુખની ભારત મુલાકાતથી રાજકીય વાતાવરણ સ્પષ્ટ થઈ ગયું છે. બંને દેશોના દ્વિપીક્ષય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના તેમના ઈરાદાઓ જાહેર કરીને ગોતાબાયાએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભારતની સુરક્ષા જોખમાય તેવું કંઈ કરવા માગતા નથી અને તેમણે તમામ શંકા અને ગેરસમજો દૂર કરી. તેમના દેશમાં ચીનના મૂડીરોકાણના વિકલ્પો ભારત અને અન્ય દેશો જુઓ તેમ પણ તેઓ ઈચ્છે છે. ત્રાસવાદ વિરોધી લડાઈ માટે રૂપિયા 360 કરોડની સહાય અને રૂપિયા 2870 કરોડની સૉફ્ટ લૉનની વર્તમાન ખાતરી સાથે, ભારત માટે આ સમય છે કે તે જૂના સંબંધોને સ્થિર રીતે પુનર્જીવિત કરે અને તેને મજબૂત બનાવે.
15 દિવસ પહેલાં પ્રમુખ પદની ચૂંટણીએ શ્રીલંકા સમાજના અલગ-અલગ વર્ગોમાં રહેલા ભયનું પ્રતિબિંબ પાડ્યું. ગત વર્ષે પ્રમુખ તરીકે મૈત્રિપાલ સિરીસેનાએ સર્જેલી રાજકીય કટોકટીથી દેશ અસુરક્ષામાં ધકેલાઈ ગયો અને દેશની સંરક્ષણ પ્રણાલિઓ નબળી પડી ગઈ છે. સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા પ્રમાણે, વિક્રમસિંહે વડાપ્રધાન બની ગયા પરંતુ ઇસ્ટર ડેના રોજ થયેલા ભયજનક બૉમ્બ ધડાકાઓથી દેશ નિરાશામાં ધકેલાઈ ગયો. સંસદીય પસંદગી સમિતિએ ભારત અને અમેરિકા તરફથી મળેલી બૉમ્બધડાકાઓની ચેતવણી અંગે સુરક્ષા સંસ્થાઓએ દાખવેલી નિષ્ક્રિયતાને જવાબદાર ગણાવી છે. સિંહાલા બહુમતી વસતિ માને છે કે, આઈએસ તરફથી નવા ઉભરી રહેલા ત્રાસવાદને દબાવવા માટે પ્રમુખ પદ માટે ગોતાબાયા યોગ્ય વ્યક્તિ છે. ઉત્તર અને પૂર્વ પ્રાંતોમાં તમિલ અને મુસ્લિમ બહુમતીએ ગોતાબાયાના હરીફ સજીત પ્રેમદાસાની તરફેણ કરી હતી. કારણ કે, તેમના મનમાં ત્રાસવાદને નિયંત્રિત કરવાના બહાને તેમની સુરક્ષાનો ભય હતો.
સિંહાલીઓની બહુમતીના કારણે ગોતાબાયા ચૂંટણી જીતી ગયા તેમ છતાં તેઓ તમિલોની આકાંક્ષાઓ અને તેના ટેકેદાર ભારત સાથેના સંબંધોને અવગણી નહીં શકે. દેશના દક્ષિણ ભાગમાં રહેલા લોકોને ‘સંઘીય’ શબ્દોથી ડર લાગે છે અને ઉત્તરના લોકો સરકારના ‘કેન્દ્રીકૃત’ પ્રકારનો વિરોધ કરે છે. બધાને સ્વીકાર્ય તેવી એક પ્રણાલિનો પ્રચાર કરનાર મૈત્રીપાલે કંઈ કર્યું નથી. ગોતાબાયા કહે છે કે, 1987માં બંધારણમાં 13મા સુધારાના પગલે તમિલોના વર્ચસ્વવાળા વિસ્તારોને પૂર્ણ સત્તા આપવાનું બહુમતી (સિંહાલી) પ્રજાની ઈચ્છઆની વિરુદ્ધ જઈને સંભવ નથી અને તેઓ સંકલિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગોતાબાયા માટે મુખ્ય પડકાર આ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા નવી કટોકટી તરફ ન જાય તેનું ધ્યાન રાખવાનો રહેશે!