નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને બીજા વિશ્વ યુદ્ધમાં વિજયની 75મી વર્ષગાંઠની ઉજવણીની સફળતા અને રશિયામાં બંધારણીય સુધારાઓ પરના મતની સફળ સમાપ્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 2036 સુધી પદ સંભાળવાના પ્રાવધાનને દેશના લગભગ 78 ટકા મતદારો દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
રશિયાના ચૂંટણી અધિકારીઓએ ગુરુવારે મતગણતરી પૂર્ણ થયા બાદ આ માહિતી આપી હતી. રશિયાના સેન્ટ્રલ ઇલેક્શન કમિશનરે કહ્યું કે, અઠવાડિયા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા બુધવારે સમાપ્ત થઈ હતી અને ગુરુવારે સવાર સુધીમાં મત ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી. કમિશનરે કહ્યું કે 77.9 ટકા મતો બંધારણ સુધારણાની તરફેણમાં છે અને આ સુધારાની સામે 21.3 ટકા મતો પડ્યા છે. ચૂંટણીના આંકડા દસ વર્ષમાં પુતિનને મળેલા સૌથી વધુ સમર્થનને દર્શાવે છે.
આ પહેલા સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ રશિયાએ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, બંને દેશોને તેમના વિવાદોના સમાધાન માટે કોઈ સહાયની જરૂર નથી. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવની આ ટિપ્પણી રશિયા, ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની ડિજિટલ પરિષદ બાદ કરવામાં આવી હતી.
સમ્મેલનમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ પણ ભાગ લીધો હતો. ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તીવ્ર તણાવ વધી ગયો છે. આ વચ્ચે ગલવાન ખીણમાં 15 જૂને આ સંમેલન યોજાયું હતું. 20 ભારતીય જવાનો શહીદ થયા હતા.