નવી દીલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ શનિવારે પશ્ચિમ બંગાળની મમતા સરકારની આકરી ટીકા કરતા આરોપ લગાવ્યો હતો કે, શાસક પક્ષ રાજકીય કારણોના લીધે રાજ્યમાં ભાજપના કાર્યકરોને રાહત કાર્ય કરવાથી રોકી રહ્યાં છે.
ભાજપ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જે.પી. નડ્ડાએ શનિવારે રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિઓ, રાજ્ય એકમોના પ્રમુખો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
ત્યારે જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં અને તૃણમૂલ કોંગ્રેસ શાસિત પશ્ચિમ બંગાળમાં પાર્ટીના કાર્યકરોને રાહત કાર્ય કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે.પી. નડ્ડાએ વધુમાં કહ્યું કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે રાજ્ય સરકારોએ રાજકારણથી ઉપર આવવું જોઈએ.
લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરવા બદલ પક્ષના કાર્યકરોની પ્રશંસા કરતાં નડ્ડાએ કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર ભાજપના કાર્યકરોને આ કટોકટીના સમયમાં પણ રાજકીય કારણોસર રાહત કાર્ય કરવાથી રોકી રહી છે.