મુંબઈ: મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે જણાવ્યું કે, નકલી TRP રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં ત્રણ ચેનલના નામ સામે આવ્યા છે. ઘટના સંદર્ભે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે જણાવ્યું કે, ટીવી ચેનલને લઈને નકલી એકાઉન્ટ્સ અને ખોટો પ્રચાર ચલાવવામાં આવી રહ્યો હતો. પોલીસ કમિશનર પરમબીર સિંહે જણાવ્યું કે, ક્રાઇમ બ્રાંચે નકલી TRP રેકેટનો પર્દાફાશ કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, એક અંદાજ મુજબ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો જાહેરાત ઉદ્યોગ 30થી 40 હજાર કરોડ રૂપિયા જેટલો છે.
પોલીસ કમિશનર પરમબીર સિંહની પત્રકાર પરિષદના મહત્વના મુદ્દા...
- જાહેરાતના દર કેવી રીતે નક્કી કરવા તે TRP પર આધારિત છે
- TRPમાં નાનો બદલાવ પણ કરોડો રૂપિયાની આવકને અસર કરે છે
- જોડ-તોડની ઘટનામાં 3 ચેનલના નામ સામે આવ્યા છે
- TRPના મૂલ્યાંકન માટે, દેશમાં 30 હજાર બેરોમીટર લગાવવામાં આવ્યા છે. જેમાંથી 2 હજાર તો ફક્ત મુંબઈમાં જ લગાવાયા છે
- તપાસમાં કેટલાક અભણ લોકોના ઘરે પણ અંગ્રેજી ચેનલ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે
- સાક્ષીઓએ કબૂલાત કરી છે કે, ચેનલની TRPનું સંચાલન કરવા તેને પૈસા ચૂકવવામાં આવતા હતા