UAPA(અનલોફુલ એક્ટીવિટીઝ પ્રિવેન્શન એક્ટ) મુજબ વ્યક્તિગત રીતે કોઈને પણ આતંકી જાહેર કરી શકાય છે. અગાઉ માત્ર આતંકી સગઠનોને જ આતંકી જાહેર કરી શકાતા હતા. હાલમાં જૈશ-એ- મોહમ્મદના મસૂદ અઝહરને UAPA અંતર્ગત આતંકવાદી જાહેર કરાયો છે. આ ઉપરાંત હાફિઝ સઈદ, દાઉદ ઈબ્રાહીમ, જકી-ઉર-રહેમાન લખવીને આતંકવાદી જાહેર કરાયા છે. આવનારા દિવસોમાં બીજા કેટલાક કુખ્યાત નામો પણ આ લિસ્ટમાં સામેલ થાય તેવી શકયતા છે.
17મી લોકસભાના પ્રથમ સત્રમાં અમિત શાહે UAPA બિલને લોકસભામાં અને રાજ્યસભામાં રજૂ કર્યું હતું. જે પાસ થઈ ગયુ હતું. આ અંતર્ગત કેન્દ્ર સરકારને કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાનો અધિકાર મળે છે. આ ઉપરાંત આવા વ્યક્તિની મિલ્કત જપ્ત કરી શકે છે. ખાસ કરીને આતંકવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકો માટે આ કાયદો બનાવાયો છે.
સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ બિલ પર કહ્યું હતું કે, આતંકવાદીઓને વ્યક્તિગત રીતે જાહેર કરવામાં આવે તે મહત્વનું છે, કારણ કે એવા મામલાઓ પણ બહાર આવી ચુક્યા છે કે, જયારે કોઈ આતંકી સગઠન પર પ્રતિબંધ લાગે છે તો તેઓ અલગ નામથી સંગઠન બનાવે છે. જો કે, વિપક્ષે આ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો, કારણ કે, આ કાયદો સરકારને કોઈ પણ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાનો અધિકાર આપે છે.