પટનાઃ બિહારમાં પૂરનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યની લગભગ બધી જ પ્રમુખ નદી અને તેની સહાયક નદીઓમાં તોફાનને કારણે 12 જિલ્લાના લોકો પૂરથી વિશેષ પ્રભાવિત થયા છે. રાજ્યની 38 લાખથી વધુ આબાદીને પૂરથી ભારે અસર થઇ છે અને 11 લોકોના મોત થયા છે.
સરકાર રાહત અને બચાવ કાર્યનો દાવો કરી રહી છે. જળ સંસાધન વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોસીનું જળસ્તરમાં વધારાનો ટ્રેન્ડ છે. વીરપુર બૈરાજની પાસે ગુરૂવારે સવારે છ કલાકે કોસીનું જળસ્તર 1.83 લાખ ક્યુસેક હતું, જે આઠ કલાકે વધીને 1.86 લાખ ક્યુસેક થયું છે. આ તરફ ગંડક નદીનું જળસ્તર સ્થિર થયું છે. ગંડકનો જળસ્ત્રાવ વાલ્મીકિનગર બરાજ પર સવારે આઠ કલાકે 1.91 લાખ ક્યુસેકે પહોંચ્યું છે.
રાજ્યની લગભગ બધી જ નદીઓ ભયના નિશાનથી ઉપર વહી રહી છે. ગંગા, બાગમતી, બૂઢી, ગંડક, કમલા બલાન, મહાનંદા કેટલાય વિસ્તારોમાં ભયના નિશાનથી ઉપર વહી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ રામચંદ્ર ડૂએ જણાવ્યું કે, બિહારના 12 જિલ્લાના કુલ 102 ગામોની 901 પંચાયતો પૂરથી પ્રભાવિત થઇ છે. આ વિસ્તારોમાં લગભગ 38 લાખની આબાદી પૂરથી પ્રભાવિત છે.
તેમણે દાવો કર્યો છે કે, આ વિસ્તારોમાં 19 રાહત શિબિરો ખોલવામાં આવી છે, જ્યાં 25 હજારથી વધુ લોકો રહી રહ્યા છે. આ ઉપરાંત પૂર પ્રભાવિત વિસ્તારોમાં કુલ 989 સામુદાયિક રસોઇ ઘર ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં પ્રતિદિન પાંચ લાખથી વધુ લોકો ભોજન કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, બધા પૂર પ્રભાવિત જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ અત્યાર સુધી પૂરમાં ફસાયેલા 3 લાખથી વધુ લોકોને વિસ્તારોમાંથી બહાર નીકાળ્યા છે.
તેમણે જણાવ્યું કે, પૂર દરમિયાન વિસ્તારોમાં વિભિન્ન ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, જરૂરિયાતમંદોને પ્લાસ્ટિક શીટ પણ ઉપલબ્ધ કરવવામાં આવી છે. પૂરને કારણે વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. લોકો પોતાના ઘર છોડીને પાકા મકાનોની છતો પર અથવા ઉંચા સ્થાનનો આશરો લઇ રહ્યા છે. સીતમઢી, મુઝફ્ફરપુર, દરભંગા, ગોપાલગંજ, પૂર્વી ચંપારણની સ્થિતિ સૌથી વધુ ભયજનક છે.