પટના: શિવહરના પૂરનહિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં JDUના ઉમેદવારની હત્યાની ઘટના સામે આવી છે. શિવહર જિલ્લાના હાથસર ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન JDUના ઉમેદવાર નારાયણ સિંહ પર ગુનેગારોએ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન નારાયણ સિંહ અને તેમના 3 સમર્થકોને ગોળી વાગી હતી.
2 બાઇક પર આવ્યા હતા 4 ગુનેગારો
મળતી માહિતી મુજબ બે બાઇક પર આવેલા ચાર ગુનેગારોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં નારાયણ સિંહ અને તેમના 3 સમર્થકોને ગોળી વાગી હતી. આ ગોળીબારમાં નારાયણ સિંહનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સમર્થકોએ તાકીદે ઇજાગ્રસ્તોને શિવહરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાંથી એક સમર્થકનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ગુનેગારને માર માર્યો હતો. જેમાં એક ગુનેગારનું મોત થયું છે.
ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
નારાયણ સિંહનું ઘટના સ્થળે અને તેમના એક સમર્થકનું સીતામઢી લઈ જતા સમયે મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક ઘાયલની સારવાર સીતામઢી શહેરની નંદીપથ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. જે બાદ હોસ્પિટલમાં ટેકેદારોએ હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. SP અનિલ કુમાર અને સદર SDPO રમાકાંત ઉપાધ્યાય પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, નારાયણ સિંહ ભૂતકાળમાં RJDમાં હતા, જે બાદ તેમને JDUમાં જોડાયા હતા.
પોલીસ તપાસ
આ કેસમાં 3 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ ચૂંટણીની વચ્ચે જે રીતે ઉમેદવારને ગોળી મારી હત્યા કરવાની ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા પર ચોક્કસપણે સવાલો ઉઠી રહ્યા છે.