8 નવેમ્બર, 2018ના રોજ ચંદ્રબાબૂ નાયડૂ સરકારે એક સરકારી આદેશ જાહેર કરી CBIને અપાયેલી સામાન્ય સહમતિ પરત ખેંચી લીધી હતી. CBIને રાજ્યમાં કોઈ પણ ઘટના સંદર્ભે દરોડા પાડવા કે તપાસ કરવા માટે સામાન્ય સહમતિની જરૂર હોય છે.
આ સરકારી આદેશમાં જણાવ્યું હતુ કે, 'દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ, 1946ની કલમ 6 અંતર્ગત મળેલા અધિકારનો ઉપયોગ કરીને સરકાર દિલ્હી વિશેષ પોલીસના સદસ્યોને આંધ્ર પ્રદેશ રાજ્યમાં આ કાયદા હેઠળ અધિકારો અને અધિકારક્ષેત્ર માટે અપાયેલી સામાન્ય સહમતિ પાછી લે છે.'
આંધ્ર પ્રદેશના તાત્કાલિન નાયબ મુખ્યપ્રધાન એન.સી. રજપ્પાએ કહ્યું હતુ કે દેશની ઉચ્ચ તપાસ એજન્સીના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધના આક્ષેપોના કારણે સામાન્ય સહમતિ પરત લેવાઈ છે. આ વિવાદીત આદેશ થકી આંધ્ર પ્રદેશ સરકારે રાજ્યના ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરવાનો અધિકાર પણ આપી દીધો હતો.
30 મેના રોજ સત્તા સંભાળનાર વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીએ ગુરૂવારે નવો આદેશ જાહેર કરીને ચંદ્રબાબૂ સરકારના નિર્ણયને રદ્દ કરી દીધો છે. મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીના આદેશ અનુસાર વિશેષ મુખ્ય સચિવ મનમોહન સિંહે આ અંગે 'જીઓ 81' રજૂ કર્યુ. આ આદેશ મુજબ 'દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન કાયદો 1946 અંતર્ગત 8 નવેમ્બરે જાહેર કરાયેલ આદેશ રદ્દ કરી દેવાયો છે.' હવે સીબીઆઈને આંધ્ર પ્રદેશમાં ભ્રષ્ટાચાર અને અન્ય કેસોમાં તપાસ માટે અધિકાર છે.
CBI દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન કાયદા 1946 અંતર્ગત કામ કરે છે. આ કાયદાની કલમ 6 અંતર્ગત કોઈ રાજ્ય સરકાર CBIને નિયમિતપણે સામાન્ય સહમતિ આપી તેને રાજ્યમાં તપાસનો અધિકાર આપે છે. આંધ્ર પ્રદેશ સરકાપૃર પણ નિયમિત ચોક્કસ સમયગાળામાં આ આદેશ જાહેર કરી રહી છે.