નવી દિલ્હીઃ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં બુધવારે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા આક્ષેપ કર્યા હતા કે, "ભારતની વૈશ્વિક નીતિઓ વેરવિખેર થઇ ગઇ છે અને અન્ય દેશો સામે ભારત તેનું સન્માન ગુમાવી રહ્યું છે જેનો સરકાર પાસે કોઈ ઉપાય નથી."
તેમણે તેમની ટ્વીટમાં એક સમાચારની વિગતોનો ઉલ્લેખ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ ઈરાનની સરકારે ચાબહાર બંદરેથી અફઘાનિસ્તાનની સીમા પર આવેલા ઝહદેન સુધી રેલવે લાઈન નાખવાનો પ્રોજેક્ટ માટેનું બાંધકામ પોતાની રીતે શરૂ કરી દેવાનું નક્કી કર્યું છે. ભારત સરકાર તરફથી નાણાકીય મદદ અને પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી કહી શકાય કે, આ સંધિમાંથી ઈરાને ભારતને બહાર કરી દીધું છે અને આ ઘટનાની અસર ભારતની વૈશ્વિક નીતિઓ પર પણ પડશે.
ભારતે ઈરાન સાથે ચાબહાર બંદરેથી અફઘાનિસ્તાનની સીમા પર આવેલા ઝહદેન સુધી રેલવે લાઈન નાખવાનો પ્રોજેક્ટ માટે કરાર કર્યો હતો. 628 કિમી લાંબી આ રેલવે લાઈન નાખવા માટે તહેરાન અને નવી દિલ્લી વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા હતા.
આ પહેલા પણ રાહુલ ગાંધી દેશમાં વધતા કોરોના સંક્રમણ મુદ્દે સરકાર પર પ્રહાર કરી ચૂક્યા છે. હાલની દેશની કોરોનાને લઈને પરિસ્થિતિ તેમજ લદાખમાં ચીન દ્વારા થયેલો ભારતીય જવાનો પરનો હુમલો, દેશના અર્થતંત્રને લઇને પણ અનેકવાર તેમણે સરકાર પર આક્ષેપ કર્યા હતા.
આ રિપોર્ટ મુજબ સમગ્ર ઘટના પાછળ ચીનની દખલ પણ જવાબદાર હોઇ શકે છે. ઈરાન અને ચીન વચ્ચે ગુપ્ત રીતે આર્થિક અને રાજકીય જોડાણો થવા સાથે ભારતને ચાબહાર સંધિમાંથી બહાર ફેંકવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું તેમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.