શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના આમશીપોરા ખાતે શનિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સુરક્ષા બળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેક્ટર કમાન્ડર બ્રિગેડિયર અજય કટોચે મીડિયા સાથે એન્કાઉન્ટર વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે, અમને આ વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.
માહિતીના આધારે, આમશીપોરામાં રાત્રે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં સેનાને પાંચ આતંકવાદીઓ હોવાની માહીતી મળી હતી, જેમાં સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે, માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાનના હતા.
તેમણે કહ્યું કે, સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા છે. કારણ કે તેઓએ આ વિસ્તારને આતંકવાદ મુક્ત બનાવ્યો છે. ઠાર કરેલા આતંકવાદીઓ પાસેથી કેટલાક વિસ્ફોટક IED સામગ્રી મળી આવી હતી. કટોચે કહ્યું કે પાકિસ્તાન સતત આતંકવાદીઓને કાશ્મીર મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી અહીં શાંતિ ભંગ થઈ શકે.
તેમણે કહ્યું કે સૈન્યના ઇનપુટ્સ છે કે આતંકીઓ સુરક્ષા દળો પર હુમલો કરી શકે છે, પરંતુ અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.