- જયશંકરે જણાવ્યું કે, સરહદ પાર સરકાર દ્વારા પ્રાયોજિત આતંકવાદનું સચોટ ઉદાહરણ પાડોશમાં જ છે
- ભારતે આતંકવાદને દુનિયા સમક્ષ લાવવા માટે અથાક પરિશ્રમ કર્યો
- વિશ્વ આંતરરાષ્ટ્રીય આતંકવાદની વૈશ્વિક પ્રકૃતિને સમજવા લાગ્યું છે
હૈદરાબાદ: વિદેશ પ્રધાન એસ. કે. જયશંકરે સોમવારે જણાવ્યું કે, સરહદ પાર આતંકવાદનો સામનો કરી રહેલા ભારતે આતંકવાદને દુનિયા સમક્ષ લાવવા માટે અથાક પરિશ્રમ કર્યો છે અને ધીરે ધીરે વિશ્વ પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદની વૈશ્વિક પ્રકૃતિને સમજવા લાગ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વગર જયશંકરે જણાવ્યું કે, ભારતના ભૌગોલિક દૃષ્ટિથી નજીકનો એક પડોશી દેશ સરકાર દ્વારા પ્રાયોજિત સરહદ આતંકવાદમાં સામેલ છે.
જયશંકરે હૈદરાબાદમાં ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ(ISB)માં આયોજિત ઓનલાઇન કાર્યક્રમનું સંબોધન કર્યું
હૈદરાબાદમાં ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ(ISB)માં ઓનલાઇન આયોજિત એક કાર્યક્રમનું સંબોધન કરતા જયશંકરે જણાવ્યું કે, સરહદ પર સરકાર દ્વારા પ્રાયોજિત આતંકવાદનું સચોટ ઉદાહરણ આપણા નજીકના પાડોશમાં જ હાજર છે. વિશ્વ ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય આતંકવાદની વૈશ્વિક પ્રકૃતિને સમજવા લાગ્યું છે.
આતંકવાદનું આર્થિક ફંડિંગ, કટ્ટરતા અને સાઇબર ભરતી વગેરે પાસાઓ તરફ સૌનું ધ્યાન દોર્યુ
વિદેશ પ્રધાને જણાવ્યું કે, ભારતના અથાક પ્રયત્નોને કારણે આપણે આતંકવાદનું આર્થિક ફંડિંગ, કટ્ટરતા અને સાઇબર ભરતી વગેરે પાસાઓ તરફ સૌનું ધ્યાન દોરી સૌની સમક્ષ મૂક્યું છે.
ભારતે એક લાખથી વધુ વિદેશી નાગરિકોને પણ તેમના દેશમાં પરત મોકલી આપ્યા છે
વંદે ભારત મિશન અંગે વિદેશ પ્રધાને જણાવ્યું કે, કોવિડ 19ના લોકડાઉન દરમિયાન ભારતના 24 લાખથી વધુ નાગરિકોને વિદેશથી લાવવામાં આવ્યા છે. કોરોના મહામારી દરમિયાન ભારતે એક લાખથી વધુ વિદેશી નાગરિકોને પણ તેમના દેશમાં પરત મોકલી આપ્યા છે.
આજનું ભારત વિદેશમાં પણ કોઇ ભારતીયને તકલીફ પડવા દેશે નહીં
જયશંકરે જણાવ્યું કે, 24 લાખથી વધુ ભારતીયોને હવા, માર્ગ અને પાણીના માર્ગ દ્વારા પરત લાવવામાં આવ્યા છે. અમે આ કાર્યમાં એર ઇન્ડિયાથી લઈને ભારતીય નૌકાદળ સુધીના અમારા તમામ સંસાધનોને આ કામમાં લગાવ્યા છે. અમારો હેતુ ખૂબ સ્પષ્ટ હતો, આજનું ભારત વિદેશમાં પણ કોઇ ભારતીયને તકલીફ પડવા દેશે નહીં.