ચંદીગઢઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. હવે આ બિલને લઈને વિરોધનો રેલો પંજાબ સુધી પહોંચ્યો છે. પંજાબમાં ખેડૂતોએ ગુરુવારથી ત્રણ દિવસ સુધીનું 'રેલ રોકો' આંદોલન શરૂ કરી દીધું છે. આ વિરોધને લઈને રેલવેએ અમુક ટ્રેનો રદ કરી દીધી છે. રેલવે સત્તાધીશોએ કહ્યું કે 24થી 26 સપ્ટેમ્બર સુધી 14 સ્પેશિયલ ટ્રેનોને બંધ રાખવામાં આવી છે. યાત્રીઓ અને લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ગોલ્ડન ટેમ્પલ મેઈલ (અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ), જન સતાબ્દી એક્સપ્રેસ (હરિદ્વાર-અમૃતસર), નવી દિલ્હી-જમ્મુ તવી, કરમભૂમિ (અમૃતસર- નવા જલપાઈગુરી), સરખંડ એક્સપ્રેસ (નાંદેદ-અમૃતસર) અને શહીદ એક્સપ્રેસ (અમૃતસર-જયનગર) સ્પેશિયલ ટ્રેનોને 26 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે. જ્યારે કોરોનાના કારણે અન્ય ટ્રેન સેવાઓ પણ મુલતવી રાખવામાં આવી છે.
કિસાન મજદૂર સંઘર્ષ કમિટી દ્વારા શરૂ કરાયેલા 'રેલ રોકો' આંદોલનમાં અન્ય ખેડૂતો પણ ધીમે ધીમે જોડાઈ રહ્યા છે. ગુરુવારે સવારે ભારતીય કિસાન યુનિયન (એકતા ઉગ્રહણ)ના કાર્યકર્તાઓ તો બર્નાલા અને સંગરૂરથી પસાર થતી ટ્રેનને રોકવા માટે રેલવે ટ્રેક પર વિરોધ કરવા બેસી ગયા હતા. આ ઉપરાંત અમૃતસરના દેવદાસપૂરગામ અને ફિરોઝપુરના બસતી ટાંકાવાલાના રેલવે ટ્રેક પર પણ ખેડૂતોએ બેસીનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.
કિસાન મજદૂર સંઘર્ષ કમિટીના અગ્રણીઓએ કહ્યું કે, તેમને સરકારના અમુક વિભાગો, કર્મચારીઓ અને મજૂરો મદદ કરી રહ્યા છે. કિસાન મજદૂર સંઘર્ષ કમિટીના પ્રમુખ સતનામસિંઘ પન્નુએ કહ્યું કે, ખેડૂતોના આ આંદોલનનો ભાગ બનવા માટે અમે રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ, પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યોને પણ કહ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જે ભાજપના નેતાઓએ કૃષિ બિલના પક્ષમાં મત આપ્યો છે તેમનો પણ અમે બહિષ્કાર કરીશું. કૃષિ બિલના વિરોધમાં 31 જેટલા ખેડૂતોએ 25 સપ્ટેમ્બરે પંજાબમાં બંધનું એલાન કર્યું છે. પંજાબના ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા આ કૃષિ બિલથી લઘુતમ ટેકાના ભાવની વ્યવસ્થા ખોરવાઈ જશે, જેનાથી ખેડૂતોને ખૂબ નુકસાન થશે. એટલે ખેડૂતોને ઉદ્યોગકારો પર નિર્ભર રહેવું પડશે.
હાલમાં જ રાજ્યસભા દ્વારા એસેન્સિઅલ કોમોડિટીઝ (એમેન્ડમેન્ટ) બિલ 2020, ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોસન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020 અને ધ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ એસ્યોરન્શ એન્ડ ફાર્મ સર્વિસીઝ બિલ 2020 બિલ પાસ કરવામાં આવ્યા છે.