ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે, જેમાં સહારનપુર, મેરઠ, આગરા, બુલંદશહેર, ગાઝિયાબાદ અને બિજનૌર સહિત 14 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં 26 તારીખથી જ ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. રાજ્ય વહીવટીતંત્રે તમામ જિલ્લાના DMOને આ અંગે છૂટ આપી દીધી છે કે, જો સ્થિતિ સંવેદનશીલ હોય અને કોમી તણાવની સંભાવના હોય તો સાવચેતી રૂપે તમે તમારા વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી શકો છો.
- હિંસક પ્રદર્શન રોકવા સરકાર સતર્ક
પ્રશાસનના જણાવ્યા મુજબ હાલમાં સ્થિતિ સામાન્ય છે. સંવેદનશીલ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમ છતાં સાવચેતી રાખવામાં આવી રહી છે જેથી ફરીવાર હિંસા થતી અટકાવી શકાય.
ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે પણ રાજ્યની રાજધાની લખનૌ સહિત 15 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. આ તરફ જુમ્માની નમાઝને ધ્યાનમાં રાખીને અલીગઢમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ઈન્ટરનેટ ઉપરાંત SMS અને મેસેંજર સેવા પણ બંધ રાખવામાં આવી છે.