કોંગ્રેસના પાકિસ્તાન કૉક્સની અધ્યક્ષ શીલા જૈક્સન લી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારના રોજ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અગાઉની સરકારે છેલ્લાં 15 વર્ષની હકીકત અમેરિકાને જણાવી નહોતી. પણ અમે કોઈ હકીકત છૂપાવવા માગતા નથી." ઈમરાન ખાને આતંકી સંગઠન વિશે જણાવ્યું હતું કે, " પાકિસ્તાનમાં 40 અલગ-અલગ આતંકવાદી સંગઠનો સક્રિય હતા. પણ હાલ અમે આતંવાદ વિરૂદ્ધ અમેરિકાની લડાઇ લડી રહ્યાં છે. પાકિસ્તાનને 9/11 સાથે કોઇ નિસ્બત નથી. અલ-કાયદા અફઘાનિસ્તાનમાં હતો. પાકિસ્તાનમાં કોઈ તાલિબાની આતંકવાદ નહોતો. પણ અમે અમેરિકાની લડાઈમાં સામેલ છીએ. દુર્ભાગ્યવશ જ્યારે કોઈ અણબનાવ બને છે, ત્યારે અમે અમેરીકાને સાચી હકીકત જણાવી નથી. જેના માટે હું અમારી સરકારને જવાબદાર ગણાવું છું."
પાકિસ્તાનના સ્થિતિ વિશે જણાવાતાં ઈમરાને જણાવ્યું હતું કે, "હાલ પાકિસ્તાન એવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે, જે જોઈને અમને ચિંતા થાય છે કે, પાકિસ્તાનને આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર કાઢીશું. આ સમયે પાકિસ્તાન તેના અસ્તિત્વને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, એટલે મારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય નેતાઓને મળવું ખૂબ જરૂરી હતું."
બંને દેશના સંબંધો વિશે વાત કરતાં ઈમરાન કહે છે કે, "આપણા સંબંધો વિશ્વાસ પર નિર્ભર હોવા જોઈએ. પાકિસ્તાન શાંતિ જાળવવા માટે તમામ પ્રયાસો કરવા તૈયાર છે. તેઓ તાલિબાનને રાજી કરવા માટે બનતા તમામ પ્રયાસો કરશે."
આમ, અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ઇમરાન ખાને પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પ્રયત્ન કર્યો હતો.