નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે. કોરોના રસી 15 ઓગસ્ટે લૉન્ચ થવાની સંભાવના છે. આ રસીને ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે તૈયાર કરી છે. ભારત બાયોટેક અને ICMRની તરફથી રસીની લૉન્ચીગ સંભવ છે, ભારત બાયોટેકને પોતાની રસીનું માનવ પર પરીક્ષણ માટે છુટ મળી છે.
તે ભારતમાં વિકસિત થનારી પ્રથમ સ્વદેશી રસી છે અને સરકારની સર્વોચ્ચ પ્રાધાન્યતા પ્રોજેક્ટમાંની એક છે. જેની ઉપર સરકારના ઉચ્ચ કક્ષાએ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ દેશની પ્રથમ સ્વદેશી કોવિડ -19 રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે 12 સંસ્થાઓની પસંદગી કરી છે.
જેમાં વિશાખાપટ્ટનમ સ્થિત મિંગ જ્યોર્જ હોસ્પિટલ, રોહતક ખાતે પં. બીડી શર્મા પીજીઆઈએમએસ, સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટી, નવી દિલ્હીની એઇમ્સ, પટનાની એઈમ્સ, નાગપુરની જીવન રેખા હોસ્પિટલ, નાગપુરની ગિલ્લુરકર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, ગોરખપુરની રાણા હોસ્પિટલ, ચેંગલપટ્ટુ (તામિલનાડુ) મેડિકલ કોલેજ અને સંશોધન કેન્દ્ર, નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, હૈદરાબાદ (તેલંગાણા), ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓlફ મેડિકલ સાયન્સ- ભુવનેશ્વર, કાનપુર સ્થિત પ્રખર હોસ્પિટલ પ્રા. લિમિટેડ અને ગોવામાં એક સંસ્થાની ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સ તરીકે પસંદગી કરવામાં આવી છે.
જો આ ટ્રાયલ સફળ થાય છે, તો ભારતને કોરોનાથી લડવા માટે મોટું શસ્ત્ર મળશે. ભારત બાયોટેક સિવાય ઝાયડસ -કેડિલા પણ કોરોના વાઇરસની રસી તૈયાર કરવાની તૈયારી કરી રહી છે. તેને આઈસીએમઆર પાસેથી રસી ટ્રાયલ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
જો કે, ઘણા નિષ્ણાતો માને છે કે 15 ઓગસ્ટ પહેલા રસી સામાન્ય લોકો સુધી પહોંચે તે વ્યવહારિક રીતે શક્ય નથી. તે વર્ષના અંત સુધીમાં જ બજારમાં ઉપલબ્ધ થશે. આઈસીએમઆરએ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડના સહયોગથી સ્વદેશી કોવિડ -19 રસી (બીબીવી 152 કોવિડ રસી) વિકસાવી છે.