કમલ હાસને બુધવારે કહ્યું કે, તેઓએ ઐતિહાસિક સત્ય હતું તે જ કહ્યું છે. કમલ હાસને મદ્રાસની ઉચ્ચ ન્યાયાલયમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આ અગાઉ ન્યાયાલયે કમલ હાસનની અરજી ધ્યાન પર લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેમાં તેમણે પોતાની વિરૂદ્ધ દાખલ થયેલી ફરિયાદ રદ્દ કરવાની માંગ કરી હતી. મદુરાઈ બેંચના ન્યાયાધીશ વી. પુગલેંધીએ કહ્યું કે, ફરિયાદ રદ્દ કરવાની અરજીને રજા દરમિયાન તાત્કાલિક સુનવણી માટે ન લઈ શકાય, પરંતુ જો આગોતરા જામીન અરજી દાખલ થાય તો તેની પર સુનવણી થઈ શકે છે.
મંગળવારે કમલ હાસન વિરૂદ્ધ અવાકુરિચિ પોલીસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને વિભિન્ન સમાજની વચ્ચે નફરત ફેલાવવા સાથે જોડાયેલી કલમ 153A અને 295A અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. કમલ હાસને મદુરાઈ તિરુપુરકુદરમમાં પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન કહ્યું કે, “મેં અરવાકુરુચિમાં જે પણ કહ્યું, તેનાથી તેઓ આહત થઈ ગયા. મેં જે કહ્યું તે ઐતિહાસિક સત્ય છે. મેં કોઈને ઉગ્ર થવા માટે ઉશ્કેર્યા નથી.”
તેમણે કહ્યું કે, “સત્યનો વિજય થાય છે, જાતિ અને ધર્મનો નહીં અને મેં ઐતિહાસિક સત્ય કહ્યું છે. કમલ હાસને કહ્યું, “શબ્દનો અર્થ સમજો. હું (ગોડસેની વિરુધ્ધ) આતંકવાદી અથવા હત્યાનો આરોપી શબ્દનો ઉપયોગ કરી શક્યો હોત. અમે સક્રિય રાજકારણમાં છે. કોઈ હિંસા થશે નહીં.” તેમણે આક્ષેપ કર્યો કે તેમના ભાષણને ચોક્કસ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. તેમણે વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે તેમના વિરુધ્ધ લગાવવામાં આવેલા આક્ષેપ માટે મીડિયા પણ જવાબદાર છે. કમલ હાસને કહ્યું કે, “મારૂં અપમાન કરવા માટે મારી વિચારધારાનું ઢોલ ન વગાડશો, તેનાથી તમે કાંઈ નહીં કરી શકો, ખરેખર તો ઈમાનદારી મારી વિચારધારાનો આધાર છે જ્યારે તમારામાં તે નથી.”