આપણે ત્યાં કોઈ લોકસભા ચૂંટણીમાં એક એવી પણ પરંપરા ઊભી થઈ છે કે, ઉમેદવારો કોઈ એક સીટ પરથી લડે જ છે પણ જ્યારે બે સીટ પરથી ચૂંટણી લડે છે ત્યારે સ્વાભાવિક છે કે, સામાન્ય માણસને પ્રશ્ન તો થાય જ કે, બે સીટ પરથી કેમ ? ત્યારે આવો જાણીએ આ બે સીટ પરથી લડવું કેટલું યોગ્ય છે તથા તેમાં કોને ફાયદો કોને નુકસાન.
રિપ્રજેંટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951ના સેક્શન 33 અંતર્ગત કોઈ ઉમેદવારવધુમાં વધું બે સીટ પર ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. આ એક્ટ પાસ થયો તે પહેલા કોઈ પણ ઉમેદવાર ગમે તેટલી સીટ પરથી ચૂંટણી લડી શકતો હતો.
હાલમાં જ જોઈએ તો આગામી લોકસભા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડવાના છે. આ અગાઉ 2014માં પણ વડાપ્રધાન મોદી વારાણસી અને વડોદરામાંથી ચૂંટણી લડી ચૂક્યા છે. એટલું જ નહીં ઈંદિરા ગાંધી અને સોનિયા ગાંધી પણ બે સીટ પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે, બે સીટ પરથી ચૂંટણી લડવા બાબતે ઘણી વાર સવાલો પણ ઊભા થયા છે. ત્યારે આવો જાણીએ શું છે તેના પર કાયદાકીય પ્રક્રિયા.
બે સીટ પર લડવાથી કેવી કેવી સમસ્યા ઊભી થાય છે
જો કોઈ નેતા બે સીટ પરથી ચૂંટણી લડે છે તો તેને 10 દિવસમાં જ એક બેઠક ખાલી કરવી પડે છે. જેનો સીધો મતલબ એજ થાય કે, દેશની આ વ્યવસ્થામાં ફરી એક વાર ફક્ત એક સીટ માટે થઈને ચૂંટણી કરાવી પડે છે. 2014માં પણ નરેન્દ્ર મોદીએ વારાણસી ઉપરાંત વડોદરા સીટ પર ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ તેમણે વડોદરા સીટ છોડી દીધી હતી.
ખર્ચો કોણ ઉઠાવશે
ચૂંટણી પંચનું આ અંગે કહેવું છે કે, નેતાઓનું આ બે સીટ પરથી ચૂંટણી લડવાની પ્રક્રિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ. અથવા તો એક સીટ ખાલી કરી તેના પર થતી ચૂંટણી માટેનો ખર્ચો જે તે ઉમેદવાર પાસેથી જ વસૂલવો જોઈએ.
10 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં આ અંગેની સુનાવણી થશે.
ચૂંટણી પંચનું તો આ અંગે કહેવું એકદમ સ્પષ્ટ જ છે કે, બે સીટમાં એક સીટ છોડી દેવી મતદારો સાથે વિશ્વાસઘાત છે. આ બાબતને લઈ સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેના પર 10 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે.
હાલમાં જે નિયમ છે તેનાથી કોને ફાયદો કોને નુકશાન
આ નિયમથી જોવા જઈએ તો પાર્ટી અધ્યક્ષ, મુખ્યપ્રધાન કે વડાપ્રધાન પદના ઉમેદવારોને ફાયદો થતો હોય છે. જે માહોલ બનાવા માટે બે સીટ પરથી ચૂંટણી લડતા હોય છે. ઘણી વાર નેતાઓ જોખમને ધ્યાને રાખીને પણ આવું કરતા હોય છે. એટલું જ નહીં પોતાને રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કરવા માટે પણ તેઓ આવું કરતા હોય છે.