પ્રયાગરાજ: અરજદારે પરિવારના સભ્યોને તેમના શાંતિપૂર્ણ વૈવાહિક જીવનમાં દખલ કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. કોર્ટે પરિણીત દંપતીની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે, અરજ કરનારાઓમાં એક મુસ્લિમ છે અને બીજો હિન્દુ છે. આ છોકરીએ 29 જૂન 2020 ના રોજ હિન્દુ ધર્મ સ્વીકાર્યો હતો. તેમજ એક મહિના પછી 31 જુલાઈએ લગ્ન કરી લીધા હતા. કોર્ટે કહ્યું કે, રેકોર્ડથી સ્પષ્ટ છે કે, લગ્ન કરવા માટે ધર્મપરિવર્તન કરવામાં આવ્યું છે.
લગ્ન માટે ધર્મ બદલવો સ્વીકાર્ય નથી : અલ્હાબાદ હાઈકોર્ટે
આ માટે અલ્હાબાદ હાઈકોર્ટે નૂરજહાં બેગમ કેસના નિર્ણયનો હવાલો આપ્યો હતો. જેમાં કોર્ટે કહ્યું છે કે, લગ્ન માટે ધર્મ બદલવો સ્વીકાર્ય નથી. આ કેસમાં હિન્દુ છોકરીએ તેમનો ધર્મ બદલી અને મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા હતા. સવાલ એ હતો કે, શું કોઈ હિન્દુ છોકરી ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરી શકે છે અને આ લગ્ન કાયદેસર હશે?
ધર્મપરિવર્તન કરતા અરજદારને રાહત આપવાનો ઇનકાર
કોર્ટે કહ્યું કે, ઇસ્લામ ધર્મ વિશે જાણ્યા વિના અને આસ્થા અને વિશ્વાસ વિના ધર્મ બદલવો તે સ્વીકાર્ય નથી. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, તે ઇસ્લામની વિરુદ્ધ છે. આ નિર્ણયથી કોર્ટે મુસ્લિમથી હિન્દુ બનીને લગ્ન કરવા પર અરજદારને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે.