નવી દિલ્હી : રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા વિધાનસભા સ્પીકર સી.પી. જોશી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ SLPની સુનાવણી થવાની હતી. જેમાં રાજસ્થાનના સિયાસી સંકટમાં સોમવારે મોટો ખુલાસો થયો હતો. રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી.પી. જોશીએ હાઈકોર્ટમાં જે અરજી દાખલ કરી હતી તેને પરત ખેંચી છે.
સુપ્રીમ કોર્ટે આ અરજી પાછી ખેંચવાની અપીલ સ્વીકારી લીધી છે. કોંગ્રેસ તરફથી લડાઇને હવે કોર્ટમાં નહી પરંતુ રાજકીય રીતે લડવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે, કોંગ્રેસ શુક્રવારે આવેલા હાઇકોર્ટના નિર્ણયને પડકાર આપી શકે છે.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે 23 જુલાઇના સુનાવણી દરમિયાન રાજસ્થાન હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો.ગરૂવારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરૂણ મિશ્રાની ખંડપીઠે આ કેસમાં આગામી સુનાવણી 27 જુલાઇના રોજ નક્કી કરી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, 24 જુલાઇના રોજ રાજસ્થાન હાઇકોર્ટે જે પણ આદેશ આપશે તે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધિન રહેશે.
ઉલ્લેખનીય છે કે, સ્પીકર સી.પી. જોશીએ સચિન પાયલોટ સહિત 19 ધારાસભ્યોને વ્હિપનો ભંગ કરવા બદલ નોટિસ ફટકારી હતી. આ અરજીને સચિન પાયલોટ જૂથે રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અરજી પર રાજસ્થાન હાઈકોર્ટે 21 જુલાઈની સુનાવણીમાં સ્પીકરને વિધાનસભ્યો વિરુદ્ધ 24 જુલાઇ સુધી કાર્યવાહી ન કરવાની વિનંતી કરી હતી. સી.પી. જોશીએ બંધારણીય હકોનું ઉલ્લંઘન માનતા સુપ્રીમ કોર્ટેમાં વિશેષ અનુમતિ અરજી દાખલ કરી હતી.