નવી દિલ્હીઃ મોદી સરકારે 59 ચીની ઍપ કંપનીઓ સામે સખત વલણ અપનાવ્યું છે. સરકારે આ ચાઇનીઝ ઍપ્લિકેશન કંપનીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે, પ્રતિબંધોનું કડક પાલન કરવામાં આવે, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. મોદી સરકારે 29 જૂનના રોજ ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત 59 ચીની મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને એકતા માટે ખતરો ઉભો થતો હોવાથી આ પ્રતિબંધ લાદવાનું કહેવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ તમામ ચીની ઍપ્લિકેશન કંપનીઓને પત્ર લખીને પ્રતિબંધનું કડક પાલન કરવાનું કહ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે કહ્યું કે, આ ચાઇનીઝ ઍપ્લિકેશન્સ પર સાર્વભૌમ શક્તિનો ઉપયોગ કરવા અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69 એ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સરકારે કહ્યું કે, આ પ્રતિબંધિત ચીની એપ્લિકેશનોનું સીધું અને આડકતરી કામગીરી માત્ર ગેરકાયદેસર જ નહીં, પણ માહિતી ટેકનોલોજી અધિનિયમ અને અન્ય કાયદા હેઠળનો ગુનો છે. જો આ ચીની ઍપ્સ પ્રતિબંધ હોવા છતાં ભારતમાં કોઈપણ રીતે ઉપયોગ માટે ઉપલબ્ધ કરવામાં આવે છે, તો તે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન હશે. તેથી, આ કેસમાં શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ચીની ઍપ્સ કંપનીઓને સરકારે આદેશનું સખત પાલન કરવાની ખાતરી આપવા જણાવ્યું છે. સરકારના આદેશનું કડક પાલન કરવામાં નિષ્ફળતાએ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
આપને જણાવી દઈએ કે, ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતીય સેનાના કર્નલ સહિત 20 સૈનિકો શહિદ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હિંસક અથડામણમાં ચીની સેનાના લગભગ 40 જવાનો પણ માર્યા ગયા છે. જોકે, ચીને પોતાના સૈનિકોની જાનહાની અંગે કોઈ સત્તાવાર ડેટા જાહેર કર્યો નથી. આ ઘટના પછી, મોદી સરકારે દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને એકતા માટે ખતરો ઉભો કરતા ટિકટોક સહિતની 59 ચીની ઍપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો.