નવી દિલ્હી: કેન્દ્રએ શુક્રવારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના(PMMSY) અંતર્ગત માછીમારો માટે 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે ભારતના અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં સરકાર દ્વારા આપવામાં આવેલા આર્થિક પેકેજનો જ એક ભાગ છે. આ યોજના દ્વારા સપ્લાય ચેઈનની જરૂરી ખામીઓ દૂર કરવામાં આવશે.
નાણા વિભાગના જણવ્યા અનુસાર, સરકાર દરિયાઈ અને આંતરિક માછીમારીના એકીકૃત, ટકાઉ અને સમાવિષ્ટ વિકાસ માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના(PMMSY) શરૂ કરશે. જે અંતર્ગત રૂ. 20,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી 11,000 કરોડ રૂપિયા દરિયાઈ તેમજ આંતરિક માછીમારી અને જળચર ઉદ્યોગ પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવ્યા છે. જ્યારે બાકીના રૂ. 9,000 કરોડ મત્સ્ય ઉદ્યોગ માટે બંદરો, કોલ્ડ ચેન અને બજારો જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ખર્ચ કરવામાં આવશે છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમને સરકાર વતી જણાવ્યું હતું કે, માછીમારીની કેટલીક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ જેવી કે, કેજ-કટર, સીવીડ ફાર્મિંગ(શેવાળની ખેતી), માછલા ઉછેર, નવી ફિશિંગ બોટ વગેરેનો લાભ મળશે.
સરકારનું માનવું છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ સુધારો આવતા 5 વર્ષમાં 70 લાખ ટન વધારાની માછલીનું ઉત્પાદન કરશે. સરકારે માછીમારો અને તેમની હોડીના પર્શનલ વીમા વિશે પણ વાત કરી છે, જે લોકડાઉન પછી તેમનું જીવન સરળ બનાવશે.
આ સિવાય નાણા વિભાગનો અંદાજ છે કે, આ પ્રયત્નો દ્વારા 55 લાખ લોકોને રોજગાર મળશે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, આ સાથે નિકાસમાં બમણો વધારો થશે. જે કારણે નિકાસ રૂ. 1,00,000 કરોડ થશે.