બાડમેર : રાજસ્થાનમાં દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરી એક વખત બાડમેરમાં એક સગીર બાળકીનું અપહરણ કરી દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યારે યુવતીના પરિવારના લોકો મત આપવા ગયા હતા તેનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ યુવતીનું અપહરણ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. પરિવારના લોકોની ફરિયાદના આધારે પોલીસે પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
જાણકારી અનુસાર બાડમેર જિલ્લામાં મંગળવારે મોડીરાતે ગામના બે યુવકોએ 15 વર્ષની એક યુવતીનું અપહરણ કર્યું હતું અને યુવતીને બાઇક ઉપરથી ઘરેથી લઇ જઇ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તે સાથે તેના અશ્લીલ ફોટા પણ લીધા હતા.
જ્યારે પીડિતાના પરિવારના લોકો ઘરે પરત ફર્યા ત્યારે યુવતી ઘર પર નહોતી. જે બાદ પરિવારે યુવતીની શોઘખોળ કરતા તે મળી નહીં. મોડી રાત્રે યુવતી ગામની સ્કૂલ પાસે બેભાન અવસ્થામાં મળી આવી હતી. જેના પર પરિવારના લાકોએ પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ દાખલ કરી હતી.
ત્યારબાદ પોલીસે પીડિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં પીડિતાની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર વિશ્રામ મિણા અને પોલીસ અધિક્ષક આનંદ શર્મા હોસ્પિટલ પહોંચી પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
આ સમગ્ર મામલે બાડમેર જિલ્લા પોલીસ અધિક્ષક આનંદ શર્માએ જણાવ્યું હતું કે, પરિવારની ફરિયાદના આધારે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. તેમજ પીડિતાના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે.