નવી દિલ્હીઃ દેશમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સોમવારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે જ ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સોમવારના રોજ જણાવ્યું કે, તે પોતે કોરોના સંક્રમિત છે.
તેમણે ટ્વીટ કરી કહ્યું કે, ‘અન્ય કારણોસર હૉસ્પિટલ ગયો હતો પરંતુ આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.’
પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી કહ્યું કે, ‘હું અપીલ કરું છું કે, જે લોકો ગત અઠવાડિયે મારા સંપર્કમાં આવ્યા છે. તે લોકો સેલ્ફ ક્વોરેન્ટાઇનની સાથે જ કોરોનાની તપાસ કરાવે.’
તમને જણાવી દઇએ કે, કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ભારતમાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડ 62,064 કેસ સામે આવ્યા છે. આ સાથે જ સોમવારના રોજ સંક્રમિત લોકોનો આંકડો 22 લાખને પાર પહોંચ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 1007 લોકોના મોત થયા છે.