ગુવાહાટી : આસમમાં પૂરનો કહેર યથાવત છે. અત્યારસુધીમાં 34 લોકોના મોત થયા છે. તેમજ આસમના 33માંથી 22 જિલ્લા પૂરની ઝપેટમાં આવ્યા છે. જેના કારણે 16.03 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસમ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે, પૂરથી 34 લોકોના મોત થયા છે.
ધેમાજી,લખીમપુર, વિશ્વનાથ, ચિરાંગ, દરાંગ, નલબાડી, બારપેટા, બોંગાઈગામ, કોકરાધઝાર, ધુબરી, દક્ષિણ સાલમારા, ગોવાલપારા, કામરુપ, કામરુપ (મેટ્રો) મોરીગામ , નગાંવ, ગોલધાટ, ઝોરહટ, શિવસાગર, ડિબ્રૂગઢ, તિનલુકિયા અને પશ્ચિમી કર્બી આંગલોંગ જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે.
પૂરનો સૌથી વધુ કહેર બારપેટામાં જોવા મળ્યો છે. જ્યાં અંદાજે 8.60 લાખ લોકો પ્રભાવિત થયા છે. તેમજ દક્ષિણ સાલમારામાં 1.95 લાખ , ગોવાલપારામાં 94 હજારથી વધુ મોરીગામમાં 62 હજારથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જિલ્લા પ્રશાસન અને સ્થાનિકોએ છેલ્લા 24 કલાકમાં 4 જિલ્લામાંથી 2,852 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
મુખ્ય સચિવ કુમાર કૃષ્ણે ટ્વિટ કરી કહ્યું કે, રાજ્યભરમાં બચાવ અને રાહતકાર્ય શરુ છે. સંકટના સમયમાં સરકાર આવશ્યક કામ કરી રહી છે. બ્રહ્મપુત્ર નદીમાં કેટલાક જગ્યા પર પાણી જળસ્તર પર વહી રહ્યું છે.