નવી દિલ્હી: આસામમાં ગુરુવારે પૂરને કારણે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે મુંબઈમાં વરસાદને લગતી ઘટનાઓમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમય દરમિયાન દેશના ઉત્તર ભાગમાં હળવો વરસાદ થયો હતો અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં આ વિસ્તારમાં વધુ વરસાદ થશે.
આસામના 33 જિલ્લાઓમાંથી 27 જિલ્લામાં પૂરથી લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. મુંબઈમાં મકાન તૂટી પડવાની બે ઘટનાઓમાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે.
અસમ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ) એ જણાવ્યું હતું કે મોરીગાંવમાં બે અને લખીમપુર, બારપેટ અને ગોલપાડા જિલ્લામાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે.
આસામમાં આ વર્ષે પૂરથી સંબંધિત ઘટનાઓમાં 97 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં પૂરના કારણે 71 લોકોના મોત થયા હતા અને 26 લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા હતા.
એએસડીએમએ જણાવ્યું હતું કે 3218 ગામોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે અને 1,31,368.27 હેક્ટર પાકનો નાશ થઇ ગયો છે.
પ્રશાસને જણાવ્યું હતું કે 24 જિલ્લામાં 748 રાહત શિબિરો ચલાવવામાં આવી રહી છે, જેમાં 49,313 લોકોએ આશરો લીધો છે.