મુંબઈઃ ફિલ્મ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી લોકડાઉન દરમિયાન મુંબઈથી પોતાના વતન મુજફ્ફરનગર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ તેઓ 11 મેના રોજ માતા, ભાઈ અને ભાભીની સાથે મુંબઈથી આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારની મંજૂરી પત્ર સાથે ખાનગી વાહનથી તેઓ વતન પરત ફર્યા અને રસ્તામાં અનેક સ્થળે રોકાઈને થર્મલ સ્કેનિંગ જેવી જરૂરી તકેદારી પણ રાખવામાં આવી છે. બીજી તરફ ઘરે પહોંચતા જ તેઓએ પોતાના આસપાસના લોકોની સુરક્ષા માટે તકેદારી રાખતાં પોતાને ક્વોરન્ટીન કરી દીધા છે.
નવાજુદ્દીન મુજફ્ફુરનગર પહોંચતા જ તમામને પ્રશાસને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કર્યા છે. બીજી તરફ મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના સંક્રમણ ટેસ્ટ પરિવારના તમામ સભ્યોએ મુંબઈ જ કરાવ્યા હતા. તમામના રિપોર્ટ નેગેટિવ છે. રસ્તામાં કેટલાક સ્થળે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ અને પોલીસને મેડિકલ રિપોર્ટ પણ બતાવવા પડ્યા હતા.
આ ઉપરાંત જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો સ્થાનિક પોલીસ તથા સ્વાસ્થ્ય વિભાગે પણ તમામની તપાસ બાદ તેમને હાલ 14 દિવસ માટે ક્વોરન્ટીનમાં કર્યા છે.