નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધિત ત્રણ બીલ પસાર કરવા અંગે સંસદમાં સતત વિરોધ થઈ રહ્યો છે. રાજકીય વિરોધી પક્ષો સહિત અનેક ખેડૂત સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. 25 સપ્ટેમ્બરે આ સંદર્ભે દેશભરના ખેડૂત સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે.
ખેડૂત સંગઠનોએ સંસદમાં તાજેતરમાં પસાર કરાયેલા ત્રણ કૃષિ બિલનો વિરોધ કરવા શુક્રવારે દેશવ્યાપી આંદોલન કરવાની ચિમકી આપી હતી.જોકે, આંદોલનની અસર પંજાબ અને હરિયાણામાં વધુ જોવા મળી રહી છે.રેલ રોકો આંદોલનને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા શનિવાર સુધીમાં 20 વિશેષ ટ્રેનોને આંશિક રૂપે રદ કરી કરવામાં આવી છે.હરિયાણામાં ખેડૂતોએ હાઇવે જામ કરવાની ચિમકી આપી છે.
પંજાબમાં કિસાન મજૂર સંઘર્ષ સમિતિ ત્રણ દિવસીય રેલ રોકો આંદોલનનું આયોજન કરશે, જેને અન્ય ખેડૂત સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. ખેડૂતોએ અમૃતસર અને ફિરોઝપુર ખાતે રેલ પાટાઓ પર આંદોલન કરશે.
શુક્રવારે અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સંકલન સમિતિના આહ્વાન પર સૂચિત ભારત બંધ દરમિયાન હરિયાણામાં બજારો અને મંડીઓ બંધ રહેશે. ખેડૂતોએ મુખ્ય માર્ગો અને રેલવે પાટા ઉપર જામ કરવાની ચેતવણી આપી છે.