કોવિડ-19 અંગે માહિતી ફેલાવો ! ત્રણ સપ્તાહ આવી રીતે ઘરમાં વીતાવો !
કોરોના વાઈરસ વિશ્વના તમામ દેશો અને સમાજના તમામ વયજૂથના લોકો પર સંકટ પેદા કરી રહ્યો છે. આ રોગચાળાને ફેલાતો અટકાવવાનો એક માત્ર રસ્તો છે, આત્મ-સંયમ. ત્રણ સપ્તાહના લૉકડાઉન સમયગાળાનો ઘરે શ્રેષ્ઠ રીતે ઉપયોગ કેવી રીતે કરવો અને હતાશાને કેવી રીતે ટાળવી તેના અંગે નિવૃત્ત એન્જિનિયર અને વાસ્તુ નિષ્ણાત કૃષ્ણાડિસેશુ પેન્ટાપતિએ કેટલીક સોનેરી સલાહ આપી છે જે અહીં પ્રસ્તુત છે.
સમગ્ર પરિવાર ઘરે હોવાથી તમે તમારા પરિવારના જૂના આલ્બમો ફેંદી શકો છો. તમે જૂના ફોટા જોઇને સ્કૂલ અને કોલેજના દિવસો, લગ્ન, મિત્રો સાથેના સંસ્મરણો ફરી તાજા કરી શકો છો. તમે તે ફોટા તમારા બાળકો કે પૌત્રોને બતાવી શકો છો. તમે આ ફોટો મારફતે જૂની પરંપરાઓ અને રીતરિવાજો અંગે બાળકોને નવી માહિતી આપી શકો છો.
એક સાથે આટલા બધા દિવસ ઘરે કામ વગર બેસી રહેવું ખુબ જ મુશ્કેલ કામ છે. આ સમયગાળા દરમિયાન માનસિક અને શારીરિક રીતે ચુસ્ત રહેવા માટે તમે કસરત અને યોગા માટે થોડો સમય ફાળવી શકો છો. હળવી કસરતો કરવી શરીર માટે ફાયદાકારક છે. જો તમે કસરત કરીને કંટાળી ગયા હો તો સંગીતના તાલ પર હળવો ડાન્સ કરવો એ કદાચ સારો આઇડિયા છે.
તમારા લગ્નના પ્રારંભિક દિવસોને યાદ કરો, તે વખતે તમે અને તમારા જીવનસાથી એકબીજાની કેટલી કાળજી રાખતા અને ચાહતા હતા. પરંતુ જેમ જેમ તમારી જવાબદારીઓ વધતી ગઇ તેમ તેમ તે ક્ષણો તમારાથી દૂર થતી ગઇ. એકબીજાની કાળજી કરવાનો અને એકબીજાની હૂંફ મેળવવાનો તમને ફરી એક વખત મોકો મળ્યો છે. તમે તમારા પત્નીને રસોઇમાં અને ઘરકામમાં મદદ કરો. તેની રસોઇકળાની પ્રશંસા કરો. પત્નીને કામમાં મદદ કરીને તમે તમારા બાળકોને સમભાવનું એક સરસ ઉદાહરણ પૂરું પાડી શકો છો.
માળીકામ મોટા ભાગના લોકો માટે સમય વીતાવવાનો પ્રિય વિષય છે. જે લોકો કામની મર્યાદાઓને કારણે માળીકામમાં પુરતો આપી શકતા ન હતા તેઓ આ આઇસોલેશનના સમયગાળાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે છે. વૃક્ષો અને છોડની સંભાળ રાખવામાં સામાજિક સંવાદની જરૂર નથી. માટે, આ લૉકડાઉનના સમયગાળા દરમિયાન કદાચ આ શ્રેષ્ઠ હોબી છે. તમે તમારા ધાબા કે બાલ્કનીમાં શાકભાજી ઉગાડી શકો છો.
આપણામાંથી મોટાભાગના લોકો પાસે મિત્રો અને પરિવારજનોને ફોન કરવાનો કે તેમની સાથે વાત કરવાનો બહુ ઓછો સમય હોય છે. અત્યારે તમારી પાસે પુષ્કળ સમય છે. તમારો ફોન ઉઠાવો અને તમારા મિત્રોને કે દૂરના સ્વજનોને ફોન કરો અને તેમના ખબરઅંતર પૂછો. તમારા બાળપણના સંસ્મરણોને તાજા કરો ! કોરોના વાયરસ અંગે સાવચેતી અને માહિતીને ફેલાવો !
સંયુક્ત પરિવારોમાં દાદા અને દાદા તેમના પૌત્રો-પૌત્રીને વાર્તાઓ કહેતા. વિભાજિત કુટુંબોને કારણે આવા દિવસો વિરલ બની ગયા છે. કેટલાક માતાપિતા તેમના બાળકો સાથે સમય વિતાવવા માગતા હોય તો પણ સમય તેમની કામ પ્રત્યેની જવાબદારીઓને કારણે તેમને તેની પરવાનગી આપતો નથી. તમારા બાળકોને વાર્તાઓ કહેવા માટે આ સમયનો ઉપયોગ કરો. બાળકોને વ્યસ્ત રાખો !
સતત વ્યસ્ત જીવનશૈલિને કારણે આપણને આત્મચિંતન માટે ભાગ્યે જ સમય મળે છે. આપણામાંથી ઘણા લોકોએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. તમારા જીવનનું મૂલ્યાંકન કરવા માટે આ તકનો ભરપૂર ઉપયોગ કરો. તમારે છેલ્લા કેટલાક વર્ષ કેવા રહ્યા, અથવા આગળ જતા તમે શું પરિવર્તન લાવવા ઇચ્છો છો.
એક જ છત નીચે રહેતા હોવા છતાં, બાળકો તેમના અભ્યાસમાં વ્યસ્ત હોય છે જ્યારે પુખ્ત લોકો તેમના પ્રોફેશનલ કમિટમેન્ટની પાછળ દોડતા હોય છે. યાદ કરો, તમે છેલ્લે ભેગા મળીને ભોજન ક્યારે લીધું હતું? આ આઇસોલેશન સમયનો ભેગા મળીને ભોજન કરવા માટેની તક તરીકે ઉપયોગ કરો. ચર્ચા કરો કે, તમે આ પડકારને એક પરિવાર તરીકે કેવી રીતે ઝીલશો ! એકબીજાને ખાતરી આપો કે તમને એકબીજાનો સહકાર છે ! જો કે આ તમામ બાબત તમે એકબીજાથી સલામત અંતર રાખીને કરવાની છે.
વોર્ડરોબની શોધ બાદ, લોકોએ તેનો કપડાં અને અન્ય વસ્તુઓનો સંગ્રહ કરવાના સાધન તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આપણામાંથી ઘણા લોકોએ આ વોર્ડરોબમાં રહેલી વસ્તુઓને વ્યવસ્થિત રીતે ગોઠવવાની ક્યારેય ચિંતા નથી કરી. તમે આ વોર્ડરોબ ફંફોળો તમને તેમાંથી ઘણીબધી બિનઉપયોગી નકામી ચીજવસ્તુઓ મળશે. આ નકામી વસ્તુઓને બહાર કાઢો અન તેનો નિકાલ કરો અને વોર્ડરોબને સાફસુથરું કરો.
આધુનિક સ્માર્ટ ફોનના જમાનામાં પુસ્તકો વાંચવાની આદત લગભગ નષ્ટ થઇ ગઇ છે ત્યારે પુસ્તકરસિયાઓ માટે તેમના પ્રિય પુસ્તકો પર ભેગી થયેલી ધૂળ ખંખેરીને તેના પાના ઉથલાવવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. તમે છેલ્લે બુકફેરમાંથી ખરીદેલી અને હજુ સુધી નહીં વાંચેલી પુસ્તક બહાર કાઢો અને તેને વાંચવાનું શરૂ કરો. જો તમારી પાસે પુરતા પુસ્તકો ના હોય તો તમે ઇ-બુક્સનો ઉપયોગ પણ કરી શકો છો.