મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ બીજી ટર્મમાં લગભગ 80 કલાક મુખ્યપ્રધાન પદે રહ્યા હતાં. આ ઘટનાક્રમ અંગે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનંત હેગડેએ કહ્યું કે, આ બધું પૈસા માટે કરવામાં આવ્યું હતું. જોકે ફડણવીસે આ આરોપોને નકારી કાઢ્યા છે. જોઈએ શું છે સંપુર્ણ ઘટનાક્રમ.
અનંત કુમાર હેગડેના નિવેદન અંગે દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી હતી. તેમણે દરેક આરોપને પાયા વિહોણા ગણાવતા કહ્યું કે, તેમણે પોતાના ત્રણ દિવસના કાર્યકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના નીતિગત નિર્ણયો લીધા નથી.
હેગડેએ પોતાની વાતને વિસ્તારથી રજૂ કરતા કહ્યું કે, 40 હજાર કરોડની રકમ મહારાષ્ટ્ર સરકાર પાસે હતી. જોકે હવે બધી રકમ કેન્દ્ર સરકાર પાસે જતી રહી છે. હેગડેના જણાવ્યા મુજબ બીજી વખત મુખ્યપ્રધાન બન્યા બાદ ફડણવીસે બધી જ રકમ કેન્દ્ર સરકારને પરત આપી દીધી છે. જો તેમણે આમ ન કર્યું હોત તો 40 હજાર કરોડની રકમ મહારાષ્ટ્ર સરાકરને મળી હોત.
વધુમાં અનંત કુમારે ફડણવીસનો હવાલો આપીને જણાવ્યું કે, જો આટલી મોટી રકમ કોંગ્રેસ, શિવસેના અને એનસીપી પાસે ગઈ હોત તો તેમના દ્વારા આ ફંડનો દુરુપયોગ કરવામાં આવી શક્યો હોત.
ભાજપના સાંસદ અનંત કુમારે કહ્યું કે, ફડણવીસને બીજી વખત મુખ્યપ્રધાન બનાવવાનું નાટક સમજી વિચારીને કરવામાં આવ્યું હતું. જેથી 40 હજાર કરોડની રકમ કેન્દ્ર સરકારને પરત આપી શકાય.
આપને જણાવી દઈએ કે, દેવેન્દ્ર ફડણવીસે બીજી વખત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા પરંતુ બહુમત નહીં મળવાને કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.