ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યપ્રધાન કમલનાથને મંગળવાર, 17 માર્ચે ફ્લોટ ટેસ્ટ કરવાનું કહ્યું છે. રાજ્યપાલે કમલનાથને લખેલા પત્રમાં કહ્યું કે, જો કાલે ફ્લોર ટેસ્ટ ન થયો તો માનવામાં આવશે કે તમારી સરકારે વિશ્વાસ ગુમાવી દીધો છે. આ પહેલા ભાજપના નેતા અને પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી અને તેમની સાથે ભાજપના 106 ધારાસભ્યોની પરેડ કરાવી હતી.
શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલને ધારાસભ્યોની યાદી સોંપી હતી. તેમણે કહ્યું કે, કમલનાથ સરકાર અલ્પમતમાં છે અને ભાજપની પાસે સરકાર બનાવવાનો બંધારણીય અધિકાર છે. આ પહેલા મધ્ય પ્રદેશના રાજકીય સંકટનું સમાધાન વિધાનસભાના ફ્લોર પર ન થતાં ભાજપે રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સોમવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ ન થયો. વિધાનસભાના સત્રને 10 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
રાજ્યપાલે આ નિર્દેશ આપ્યો હતો કે, વિશ્વાસ મત પ્રક્રિયા મત વિભાજનના માધ્યમથી થશે અને વિધાનસભામાં આ સારી પ્રક્રિયાની સ્વતંત્ર વ્યક્તિઓના માધ્યમથ વીડિયો રેકોર્ડિંગ કરાવવામાં આવશે, આ કામ કોઈ પણ સંજોગોમાં 16 માર્ચે જ પૂર્ણ થવું જોઈએ.
તેમ છતાં સોમવારે વિધાનસભાના અધ્યક્ષે રાજ્યપાલના અભિભાષણ બાદ ગૃહમાં શક્તિ પરીક્ષણ કરાવ્યા વગર જ વિધાનસભાની બેઠક 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી. અધ્યક્ષ દ્વારા 6 ધારાસભ્યોના ત્યાગ પત્ર સ્વિકાર કર્યાં બાદ 222 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 108 રહી ગઈ છે. તેમાં 16 બાગી ધારાસભ્યો પણ સામેલ છે જેમણે રાજીનામું આપ્યું છે પરંતુ તેને હજુ સુધી સ્વિકાર નથી કરાયા.