26 ડિસેમ્બરે ઇસ્લામાબાદમાં સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનોની બેઠક પછી આ નિર્ણય લેવાયો હતો. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતે કલમ 370 કરી તે પછી કાશ્મીરમાં જે સ્થિતિ ઊભી થઈ છે તે પછી “ઓઆઈસીએ કાશ્મીરના મુદ્દે કેવી રીતે આગળ વધવું” તેની ચર્ચા કરવી જરૂરી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાને CAA અને NRCનો પણ ઉલ્લેખ કરીને ભારત પર આક્ષેપ મૂકેલો કે “ભારતમાં લઘુમતીઓને, ખાસ કરીને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે”.
પાકિસ્તાનને કાશ્મીરના મુદ્દાનું કેવું વળગણ છે તે સૌ જાણે છે, પણ સાઉદી અરેબિયાએ લીધેલા નિર્ણય પાછળ કેટલાક ઘટનાક્રમ રહેલા છે તેની લેખમાં આગળ ચર્ચા કરી છે.
ભારતે ઑગસ્ટ 2019માં બંધારણની કલમ 370 નાબુદ કરવાનો નિર્ણય લીધો હતો અને તે રીતે જમ્મુ અને કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો રદ કર્યો હતો. સાથે જ રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને તે તક ઝડપી લઈને ભારતને બદનામ કરવાની કોશિશ કરી હતી.
પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય તખતા પર લઈ જવાની એક પણ તક જતું કરતું નથી. 'કાશ્મીરીઓની સ્વતંત્રતાની લડાઈમાં અમારો રાજકીય, રાજદ્વારી અને નૈતિક ટેકો છે' તેવું ગાણું પણ પાકિસ્તાન ગાતું રહે છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગત સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં ભારતવિરોધી માહોલ ઊભું કરવા બહુ કોશિશ કરી હતી. ભારત પર વૈશ્વિક દબાણ લાવવામાં પોતાને સફળતા મળી નથી એવું તેમણે જાતે જ (ન્યૂ યોર્કમાં પત્રકારો સમક્ષ) કબૂલ કરી લીધું હતું. મલેશિયા અને તુર્કી બે જ મુસ્લિમ દેશોએ કાશ્મીર વિશેના પાકિસ્તાનના અભિગમને ટેકો આપ્યો હતો.
ભારત 'એક અબજ ડૉલર'ની બજાર છે એટલે પોતાને પ્રતિસાદ મળતો નથી એવું બહાનું ઇમરાન ખાને કાઢવું પડ્યું હતું. તેઓ એ ભૂલી ગયા હતા કે ભારતે હાલના વર્ષોમાં મુસ્લિમ દેશો સાથે પોતાના સંબંધો ઘણા ગાઢ કર્યા છે. વ્યૂહાત્મક રાજદ્વારી પ્રયાસોથી સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશો સાથે પણ ભારતે સંબંધો ગાઢ કર્યા છે.
મુસ્લિમ દેશો સહિત વિશ્વમાં ક્યાંય ભારત વિરોધી વાતાવરણ ના ઊભું કરી શકાય તે પછી પાકિસ્તાન, તુર્કી અને મલેશિયાના નેતાઓ વચ્ચે ન્યૂ યોર્કમાં ત્રિપક્ષી ચર્ચાઓ થઈ હતી. તેમાં એવો નિર્ણય લેવાયો હતો કે ઇસ્લામિક ટીવી ચેનલ શરૂ કરવું જોઈએ અને ઇસ્લામ સામેના હાલના મહત્ત્વના મુદ્દાઓ પર ઇસ્લામિક સમીટ બોલાવવી જોઈએ.
મલેશિયાએ ઇસ્લામી શીખર પરિષદ યોજવાની તૈયારી બતાવી હતી. પાકિસ્તાન, તુર્કી, મલેશિયા, ઇરાન જેવા બિન-અરબ મુસ્લિમ દેશો ઉપરાંત કતાર સહિતના ઘણા દેશો શીખર પરિષદમાં ભાગ લેવા તૈયાર થયા હતા.
અહીં એ યાદ રાખવું જરૂરી છે કે તુર્કી, ઇરાન અને મલેશિયા સાઉદી અરેબિયાના વિરોધી છે, અને સાઉદી અરેબિયા તથા યુએઈએ જૂન 2017થી કતાર સાથેના સંબંધો પણ તોડી નાખ્યા છે.
કુઆલા લમ્પુરમાં ઇસ્લામી શીખર પરિષદના આયોજનને સાઉદી અરેબિયા તરફથી વૈશ્વિક ઇસ્લામી જગતમાં પોતાના નેતૃત્ત્વ સામેના પડકાર તરીકે પણ જોવામાં આવ્યું હતું. ઓઆઈસીને સમાંતર સંગઠન ઊભો કરવાનો આ પ્રયાસ છે એમ માનવામાં આવ્યું હતું અને તેના કારણે માત્ર ઓઆઈસી નહિ, પણ ઇસ્લામ નબળો પડશે એવું વિશ્લેષણ થયું હતું.
જોકે સાઉદી અરેબિયા ઇસ્લામિક સમીટ અટકાવી શક્યું નહોતું અને ડિસેમ્બર 2019ના મધ્યમાં તે કુઆલા લમ્પુરમાં યોજાયું હતું. જોકે સાઉદી અરેબિયા પાકિસ્તાન પર દબાણ લાવવામાં સફળ રહ્યું હતું અને તેને છેલ્લે ઘડીએ પરીષદમાંથી ખસી જવા સમજાવ્યું હતું.
પાકિસ્તાને સાઉદી અરેબિયાના દબાણમાં રહીને કામ કર્યા સિવાય છુટકો નથી, કેમ કે તેની આર્થિક સહાય વિના દેશનું અર્થતંત્ર ચાલી શકે તેમ નથી. સાથે જ ત્યાં કામ કરતાં હજારો પાકિસ્તાનીઓ કમાણીની રકમ વતનમાં મોકલે છે તે રેમિટન્સ પર દેશનું અર્થતંત્ર ટકી રહ્યું છે.
તેની સામે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનનું એક સૂચન પણ સ્વીકારવું પડ્યું કે કાશ્મીર વિશે ઓઆઈસીમાં ચર્ચા વિચારણા થવી જોઈએ. સાથે જ મુસ્લિમ જગતમાં ઓઆઈસીની શ્રધ્યેતા અને પોતાનું નેતૃત્ત્વ નબળું ના પડે તે માટે પણ સૂચન સ્વીકારવું જરૂરી બન્યું હતું.
આવી સ્થિતિને કારણે કાશ્મીરનો મુદ્દો ઇસ્લામી જગતમાં ચાલી રહેલી નેતૃત્ત્વની સ્પર્ધામાં વચ્ચે ઝપટે ચડ્યો છે.
સાઉદી અરેબિયાએ પાકિસ્તાનનું સૂચન સ્વીકાર્યું તેના કારણે ભારત અને સાઉદી વચ્ચેના વ્યૂહાત્મક સંબંધ પર કોઈ અસર થશે ખરી? તેનો આધાર તેના પર છે કે ભારત કેવી રીતે પ્રતિસાદ આપે છે.
ઓઆઈસીમાં કાશ્મીર મુદ્દે અનેકવાર ચર્ચા થઈ ચૂકી છે અને ઠરાવો પણ થાય છે. ભૂતકાળમાં થયેલા આવા પ્રયાસોથી ભારતની કાશ્મીર નીતિમાં કોઈ ફેર પડ્યો નથી કે તેનાથી કાશ્મીર વિશેના વૈશ્વિક અભિપ્રાય પર પણ ખાસ કોઈ અસર થઈ નથી.
મારા મતે ભારતે પોતાનો વિરોધ દર્શાવવો જોઈએ, પણ વાસ્તવિક રાજકીય પ્રવાહોને ધ્યાનમાં રાખીને તેને કોઈ મહત્ત્વનો મુદ્દો બનાવવો જોઈએ નહિ. તેના કારણે સાઉદી અરેબિયા સાથેના સંબંધો પર અસર થાય તેવું પણ કશું કરવાની જરૂર નથી.
ભારતે યાદ રાખવું જોઈએ કે સાઉદી અરેબિયા ચર્ચા માટે તૈયાર થયું તેની પાછળ ઇસ્લામી જગતનું આંતરિક રાજકારણ વધારે છે. ભારતના હિતો કે લાગણી વિરુદ્ધ જવાનો તેનો કઈ ઇરાદો હોય તેવું લાગતું નથી.
-અચલ મલ્હોત્રા, ભૂતપૂર્વ રાજદ્વારી