નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ કરી છે.
ચિદમ્બરમ, તેના પુત્ર કાર્તિ અને અન્ય વિરુદ્ધ સોમવારે વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહારની કોર્ટમાં પાસવર્ડથી સુરક્ષિત ઇ-ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
ન્યાયાધીશે એજન્સીને નિર્દેશ આપ્યો છે કે, જ્યારે કોર્ટ સામાન્ય રીતે કામગીરી શરૂ કરે, ત્યારે ચાર્જશીટને કાગળના દસ્તાવેજ તરીકે રજૂ કરવામાં આવે.
ચિદમ્બરમના પુત્ર ઉપરાંત કાર્તિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ. એસ. ભાસ્કરારમણ અને અન્યના નામ પણ સામેલ છે.
ચિદમ્બરમને ગત વર્ષે 21 ઓગસ્ટે આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ઇડીએ તેમને ગયા વર્ષે 16 ઓક્ટોબરે મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરી હતી.
છ દિવસ પછી, 22 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાને જામીન આપી દીધા હતા.
ઇડી કેસમાં તેમને ગત વર્ષે 4 ડિસેમ્બરે જામીન મળ્યા હતા.
સીબીઆઈએ 15 મે 2017ના રોજ આરોપ લગાવ્યો હતો કે, 2007માં આઈએનએક્સ મીડિયા ગ્રુપને વિદેશથી 305 કરોડ રૂપિયા હસ્તગત કરવા વિદેશી નિવેશ સંવદ્ધન બોર્ડ (એફઆઈપીબી) ની મંજૂરીમાં અનિયમિતતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તે સમયે ચિદમ્બરમ નાણાપ્રધાન હતા.
આ પછી ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.